જી.જી. હોસ્પિટલમાં ન્યુરો સર્જન, યુરો સર્જન અને પ્લાસ્ટિક સર્જનની જગ્યાઓ મંજુર થયેલ નથી, વિધાનસભામાં જવાબ

ધારાસભ્ય વિક્રમ માડમે ઉઠાવ્યો હતો આ સવાલ

જી.જી. હોસ્પિટલમાં ન્યુરો સર્જન, યુરો સર્જન અને પ્લાસ્ટિક સર્જનની જગ્યાઓ મંજુર થયેલ નથી, વિધાનસભામાં જવાબ
file image

Mysamachar.in-ગાંધીનગર

રાજ્યની બીજા નંબરની અને સૌરાષ્ટ્ર કચ્છમાં આવેલ સરકારી હોસ્પિટલો પૈકી પ્રથમ કક્ષાની કહી શકાય તેવી જામનગર શહેરની જી.જી. હોસ્પિટલમાં જુદા જુદા રોગોના નિષ્ણાંતોની ખાલી જગ્યાઓ સબંધમાં વિધાનસભામાં ખંભાલીયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે સવાલ ઉઠાવ્યો હતો, જામનગર શહેરમાં આવેલ જી.જી. હોસ્પિટલ એ રાજ્યની બીજા નંબરની અને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર પૈકી સરકારી હોસ્પિટલમાંની પ્રથમ કક્ષાની મેડીક્લ કોલેજ સાથેની હોસ્પિટલ છે.

આ સુસજ્જ હોસ્પિટલમાં લાંબા સમયથી ન્યુરો સર્જન, યુરો સર્જન અને પ્લાસ્ટિક સર્જનની જગ્યાઓ ખાલી છે. જે બાબત સબંધમાં ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવતાં જાણવા માંગેલ હતું કે, તા.31/12/2020ની સ્થિતિએ જામનગર શહેરની જી.જી. હોસ્પિટલમાં ન્યુરો સર્જન, યુરો સર્જન અને પ્લાસ્ટિક સર્જનની જગ્યા ભરાયેલ છે કે ખાલી છે ? જો ઉકત જગ્યા ખાલી હોય, તો ક્યારથી ખાલી છે ? અને ખાલી રહેવાનાં કારણો શા છે અને ખાલી જગ્યા કયાં સુધીમાં ભરવામાં આવશે ?

ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા પુછવામાં આવેલ પ્રશ્નોનાં જવાબમાં, રાજ્ય સરકારમાં આરોગ્ય સબંધેની બાબતોનો હવાલો સંભાળતા માનનીય નાયબ મુખ્યમંત્રી (આરોગ્ય) દ્વારા વિધાનસભામાં ચાલુ સત્રમાં તેમનાં જવાબમાં જણાવવામાં આવેલ છે કે, તા.31/12/2020ની સ્થિતિએ જામનગર શહેરની જી.જી. હોસ્પિટલમાં ન્યુરો સર્જન, યુરો સર્જન અને પ્લાસ્ટિક સર્જનની જગ્યાઓ મંજુર થયેલ નથી. ઉકત પ્રશ્નમાં ઉપસ્થિત કરેલ નિષ્ણાંતોની જગ્યાઓ મંજુર થયેલ નહીં હોવાથી આવી જગ્યાઓ કયારથી ખાલી છે ?

અને ખાલી રહેવાના કારણો શા છે ? તે બાબતમાં " પ્રશ્ન ઉપસ્થિત થતો નથી." આમ, છતાં જામનગર શહેરની જી.જી. હોસ્પિટલમાં ન્યુરો સર્જન, યુરો સર્જન અને પ્લાસ્ટિક સર્જનની જગ્યા મંજુર થયેલ નહીં હોવા છતાં સી. એમ. સેતુ અંતર્ગત સ્પેશ્યાલીટી અને સુપર સ્પેશ્યાલીટીની જગ્યાઓ ભરવાની મંજુરી છે. જેમાં યોગ્ય ઉમેદવાર ઉપલબ્ધ થયેથી તેઓની સેવાઓ ઉપલબ્ધ થશે તેવો જવાબ સામે આવ્યો છે.