હું 2024 સુધી રાજ્ય શિક્ષક સંઘનો મહામંત્રી છું એ કોઈ બદલવાનું નથી, મહામંત્રીની ધમકી ભરી ઓડિયોકલીપ શિક્ષણજગતમાં ચર્ચાનું કેન્દ્ર

શું હોદો હોય એટલે ગમે તે ભાષાનો પ્રયોગ કરવો કેટલો યોગ્ય...?

હું 2024 સુધી રાજ્ય શિક્ષક સંઘનો મહામંત્રી છું એ કોઈ બદલવાનું નથી, મહામંત્રીની ધમકી ભરી ઓડિયોકલીપ શિક્ષણજગતમાં ચર્ચાનું કેન્દ્ર
file image

Mysamachar.in-અરવલ્લી:

રાજ્ય પ્રાથમિક રાજ્ય શિક્ષકસંઘના મહામંત્રી અને બાયડ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપ રાજ્યના શિક્ષણજગતમાં ભારે ચર્ચાનો વિષય બની છે, અને પોતે જ જાણે શિક્ષણમંત્રી હોય તેવો રૂઆબ અને હોદાની ગરીમાને ના શોભે તેવી ભાષાનો મહામંત્રીનો શબ્દપ્રયોગ ટીકાને પાત્ર બન્યા છે, 4 મિનિટ અને 14 સેકન્ડની આ ઓડિયો ક્લિપમાં રાજ્ય શિક્ષક સંઘના મહામંત્રી સતીશ પટેલના મોઢેથી ગાળોનો વરસાદ થતો હોય તેવું કલીપ સાંભળનાર લોકો અનુભવી રહ્યા છે, અને શિક્ષક સંઘના હોદેદાર આવા હોય.? તેવા સવાલો પણ શિક્ષણજગતમાં જ ચર્ચાઈ રહ્યા છે, 


રાજ્ય પ્રાથમિક  શિક્ષક સંઘના મહામંત્રી સતીષ પટેલ ટીપીઓને ગાળો આપી રહ્યા છે.  રાજ્યના બે લાખ કરતાં વધુ શિક્ષકોના સંઘનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાના મહામંત્રીની આ પ્રકારની હરકતને લઈ શિક્ષણ જગતમાં ભારે ટીકા થવા પામી છે.  શિક્ષકો અને શિક્ષણ સાથે જોડાયેલા લોકો આ ઘટનામાં કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી રહ્યાં છે.TPOએ અરવલ્લીના DPEOની સુચનાથી શિક્ષકોની બદલીના ઓર્ડર કર્યાં હતા. બાદમાં બાયડ તાલુકાના વતની અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી સતીષ પટેલે બાયડ TPO એન.એમ.તરાલને ફોન કર્યો હતો. દરમિયાન બંને વચ્ચે 4 મિનિટ 14 સેકન્ડ સુધી ચાલેલી વાતચીતમાં રાજ્ય શિક્ષક સંઘના મહામંત્રી ગાળાગાળી કરતા સાંભળવા મળે છે,

‘હું 2024  સુધી રાજ્ય શિક્ષક સંઘનો મહામંત્રી છું એ કોઈ બદલવાનું નથી, તમારે ઓર્ડરમાં સહી કરતા પહેલાં મને કહેવું જોઈએ, તમારી ફરજ શું છે ? મને મળવા તમારે રજા લેવી પડશે, હવેથી હું તમારી સામે છું નોકરી કરવી હોય તો કરો’ તેવી ધમકીઓ શિક્ષક સંઘના મહામંત્રીએ આપી જે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે, શિક્ષણજગતને લગતા તમામ ગ્રુપમાં આ ઓડિયો કલીપ ગઈકાલથી ટીકા સાથે ભારે વાઈરલ થઇ રહી છે,  સવાલ એવો પણ થાય કે બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવાની જેના માથે જવાબદારી છે તે શિક્ષક જ આવી ભાષાનો પ્રયોગ કરી રહ્યો હોય ખળભળાટ મચ્યો છે.