ગેસ સીલીન્ડર લીક થયા બાદ બ્લાસ્ટની ઘટનાએ 7 લોકોના ભોગ લીધો

મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રીએ પણ ટ્વીટ કરીને ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું 

ગેસ સીલીન્ડર લીક થયા બાદ બ્લાસ્ટની ઘટનાએ 7 લોકોના ભોગ લીધો

Mysamachar.in-અમદાવાદ્:

અમદાવાદ શહેરનાં બારેજા વિસ્તારમાં ગેસ બ્લાસ્ટનાં કારણે 7 લોકોનાં મોત નિપજ્યાં છે અને 3 લોકો સારવાર હેઠળ છે. આ ઘટનાની મળતી માહિતી અનુસાર, બારેજા વિસ્તારમાં ફેક્ટરીમાં મજુરી કામ કરતા અને નજીક નજીક ઓરડીઓ બાંધીને રહેતા મજુરોનાં ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જે તમામને સારવાર માટે પહેલા નજીકની હોસ્પિટલ અને ત્યાર બાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં 22 જુલાઇના રોજ 3 અને આજે 4 શ્રમજીવીઓનાં સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતા. જ્યારે 3 ની સારવાર ચાલી રહી છે. 

અચાનક ગેસની દુર્ગંધ પ્રસરી જતા બાજુની રુમમાં રહેતા પરિવારજનોએ જાણ કરી હતી. આ અંગે ખ્યાલ આવતા ઓરડીમાં સુઇ રહેલા અન્ય સભ્યએ પ્રસરી રહેલી દુર્ગંધ બંધ કરવા અને ખાત્રી કરવા માટે ઓરડીની લાઇટ શરૂ કરી હતી. જો કે પહેલાથી જ મોટા પ્રમાણમાં ઓરડીમાં પ્રસરી ગયેલા ગેસ અને ઇલેક્ટ્રીસિટીના સ્પાર્કના કારણે ભયાનક બ્લાસ્ટ થયો હતો. જોતજોતામાં ઓરડીમાં સુતેલા તમામ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.તમામ ઇજાગ્રસ્તોને તત્કાલ નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસ દોડી આવી હતી. સ્થાનિક હોસ્પિટલે વધારે સારવાર માટે તમામને સોલા સિવિલ હોસ્પિટલ રેફર કરી રહ્યા હતા. શ્રમજીવીઓ પૈકી 22 જુલાઇએ 3 શ્રમીકોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે 23 તારીખે 4 શ્રમીકોનાં મોત નિપજ્યાં હતા. હાલ  3 શ્રમજીવીઓની સારવાર ચાલી રહી છે. 

તમામ શ્રમજીવી મધ્યપ્રદેશથી રોજીરોટી અર્થે ગુજરાતમાં આવ્યા હતા. અહીં ફેક્ટરીમાં કામ કરતા હતા. ઘટનાની જાણ મધ્યપ્રદેશ સરકારને થતા મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રીએ પણ ટ્વીટ કરીને ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું અને રાહતની જાહેરાત કરી હતી. મૃતકોને 4 લાખ જ્યારે બાળકોનાં પરિવારને 2 લાખ આપવાની જાહેરાત કરી હતી. જ્યારે ઇજાગ્રસ્ત તમામની સારવાર મફત કરવાની જાહેરાત કરી હતી. આમ આ દુખદ ઘટનામાં મૃત્યુઆંક 7 પર પહોચ્યો છે.