ગરબા આયોજકોને જ્ઞાન આપવામાં આવશે, GST વસૂલવામાં આવશે...

પાસની કિંમત, બાઉન્સર, સિંગર ફી, સ્પોન્સર તથા ડિઝલ જનરેટર સેટ સહિતની ચીજો પર 18 ટકા ટેક્સ 

ગરબા આયોજકોને જ્ઞાન આપવામાં આવશે, GST વસૂલવામાં આવશે...
file image

Mysamachar.in-રાજકોટ:

શેરી-ગલીઓમાં રમાતી નવરાત્રિ અલગ મુદ્દો છે પરંતુ અર્વાચીન દાંડિયાના ઝાકઝમાળ નવરાત્રિ મહોત્સવ લાખ્ખો રૂપિયાનો મામલો હોય છે, જેમાં આયોજકો ચિક્કાર કમાણી કરી રહ્યા હોય, આ વરસથી GST તંત્રએ સળવળાટ દેખાડયો છે. રાજકોટ GST કચેરી જામનગર સહિતના સૌરાષ્ટ્ર પર નજર રાખે છે. કચેરીના ધ્યાન પર આવ્યું છે કે, સૌરાષ્ટ્રમાં અર્વાચીન દાંડિયા નવરાત્રિ મહોત્સવોમાં લાખો રૂપિયાની કમાણીઓ થતી હોય છે. આયોજકો વિવિધ ધંધાર્થીઓને સેવા પેટે લાખ્ખો રૂપિયાના પેમેન્ટ પણ કરતાં હોય છે. આ પ્રકારના તમામ મોટાં પેમેન્ટ અને આયોજકોને થતી વિવિધ પ્રકારની આવકો પર GST તંત્ર દ્વારા નજર કેન્દ્રિત કરવામાં આવી છે.

GSTના જોઈન્ટ કમિશ્નર સ્વામીએ જણાવ્યું છે કે, GSTના અધિકારીઓની ટીમ મોટાં નવરાત્રિ આયોજકોની મુલાકાત લેશે. પાસ ટિકિટના દર મુજબ, તેના પર કેટલો ટેક્સ ભરવાનો થાય.? વગેરે બાબતોની સમજણ આપવામાં આવશે. આ ઉપરાંત ઘણાં આયોજકો સેલિબ્રિટીઓના આગમન સમયે બાઉન્સર તથા સિકયોરિટી સેવાઓ ભાડે લેતાં હોય છે, તેઓના પેમેન્ટ પર પણ GST લાગે છે. 

અર્વાચીન દાંડિયાના મોટાં આયોજકોને સ્પોન્સર દ્વારા તગડી રકમો આપવામાં આવતી હોય છે. આરતી તથા ઇનામ વિતરણ સમારોહમાં પણ સ્પોન્સર હોય છે. આ ઉપરાંત નવરાત્રિ મહોત્સવ સ્થળે વિશાળ પ્રમાણમાં જાહેરાતો થતી હોય છે. આયોજકોને પાસ અને સ્પોન્સર ઉપરાંત આ આવક પણ મોટા પ્રમાણમાં મળતી હોય છે. આ પ્રકારના મહોત્સવમાં ડિઝલ જનરેટર સેટ પણ હોય છે. તેની કંપની આયોજકો પાસેથી તગડું બિલ વસૂલતી હોય છે. આ પ્રકારના વિવિધ ખર્ચ અને આવકો GSTના દાયરામાં આવે છે. જેમાં ટેક્સ સ્લેબ 18 ટકા છે. જામનગર અને રાજકોટ જેવા શહેરોમાં આ પ્રકારના મોટા આયોજનો થતાં હોય છે.

GSTએ જણાવ્યું છે કે, આ પ્રકારના અર્વાચીન દાંડિયાના કોમર્શિયલ આયોજકોએ હંગામી ધોરણે GST નંબર મેળવી લેવાનો રહેશે. અને આવક તથા ખર્ચના સંભવિત આંકડાઓ અનુસાર એડવાન્સમાં જ ઉચ્ચક GST ટેક્સ તંત્રમાં જમા કરાવવાનો રહેશે. નવરાત્રિ બાદ આયોજકોએ હિસાબો રજૂ કરવાના રહેશે. બાદમાં GSTની ફાઈનલ ગણતરી અને વસૂલાત કરવામાં આવશે. જે લોકો GST નંબર મેળવ્યા વિના અને ઉચ્ચક ટેક્સ ભર્યા વગર નવરાત્રિ મહોત્સવ યોજશે તેઓએ મહોત્સવ દરમિયાન દરોડાની કાર્યવાહીઓનો સામનો કરવાનો રહેશે, એવી ચેતવણી પણ તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે.