રાજ્યના 5 જીલ્લામાં આ તસ્કર ગેંગે મચાવ્યો હતો તરખાટ 

ઝડપાઈ જતા 20 જેટલી ચોરીઓનો ઉકેલાયો ભેદ 

રાજ્યના 5 જીલ્લામાં આ તસ્કર ગેંગે મચાવ્યો હતો તરખાટ 

Mysamachar.in-હિમતનગર:

રાજ્યના સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, અને મહિસાગર આમ પાંચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરીઓને અંજામ આપી પોલીસને નાકે દમ લાવી દેનાર ભટ્ટી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 8 સાગરિતોને હિંમતનગરથી પરબડા જતાં રોડ પર નદીના પટમાંથી બે ગાડીઓ અને ચોરીના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડતા 20 ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી

હિમતનગર પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે હુસેન બિલ્લો અને જાકીર ચુઓ બીજા માણસો સાથે બે ગાડીઓ લઈ હિંમતનગરથી પરબડા જતા રોડ પર નદીના પટમાં ઉભા છે અને કોઈ વસ્તુઓની આપ-લે કરી રહ્યા છે.એલસીબી બાતમીવાળા સ્થળે પહોંચી ગઈ હતી અને હુસેન ઉર્ફે બીલ્લો યાસીન ભટ્ટી (રહે.કઉ કુકરી તાલુકો મોડાસા) અને ઝાકીર ઉર્ફે ચુઓ બંને સાથે અન્ય 6 શખ્સો મળ્યા હતા અને બંને ગાડીઓની તપાસ કરતા તેમાંથી ચોરી કરવાના સાધનો તથા ચોરીના સોના-ચાંદીના દાગીના અને અન્ય ઇલેક્ટ્રોનિક સંસાધનો મળ્યા હતા. જેને પગલે પોલીસે બંને કાર સહિત કુલ રૂ.8,86,916 નો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

ઝડપાયેલા શખ્સોએ પૂછપરછ દરમિયાન દાખલ થયેલ ચોરીના 10 અને તે સિવાય અન્ય 10 ગુનાની કબૂલાત કરી છે તથા તેમની પાસેથી ચોરીનો માલ ખરીદનાર અન્ય ત્રણ શખ્સોના નામ પણ ખુલ્યા છે તેમને પકડવા તજવીજ હાથ ધરાઇ છે. સાબરકાંઠા અરવલ્લી ખેડા-નડિયાદ, આણંદ, મહિસાગર જિલ્લામાં ભટ્ટી ગેંગે અંદાજે 20 ગુના આચર્યા છે.પોલીસે રિકવર કરેલ મુદ્દામાલમાં સોનાની ટીકી સેટ નંગ 1, સોનાની ચેન નંગ-2, સોનાની બુટ્ટી એક જોડ, સોનાની કડી લટકણ શેર જોડ એક, સોનાનું ક્રોસ પેન્ડલ, ચાંદીની ડીશ, ચાંદીના છડા બે જોડ, ચાંદીની રાખડી બે નંગ, ચાંદીનો જુડો એક નંગ, ચાંદી ની લકી એક નંગ, ચાંદીના કડલા ની જોડ, સોનાની છાપેલી વીંટી બે નંગ,ચાંદીની ચટ્ટાઇ એક જોડ,ચાંદીના છડા એક જોડ, ચાંદી ચટ્ટાઇ લંગર ની જોડ એક, એક લેપટોપ, સોની કંપનીનો કેમેરો, એક એસી એક ટન, એક એસી કોમ્પ્રેસર, એક ઇન્વેટર,એસી કોમ્પ્રેસર વાયર સાથે એક, 42 ઇંચ નું ટીવી એક 52 ઇંચનું એલ સી ડી, ઇકો ગાડી એક, ઇન્ડીકા ગાડી,એક સેમસંગ કંપનીનો મોબાઇલ, એક વીવો કંપનીનો મોબાઇલ, એક ઇન્ટેક્સ કંપનીનો મોબાઈલ. કુલ કી. રૂ.8,86,216 વગેરે કબજે કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે.