આવતીકાલથી ખેડૂતોને 8 નહિ પણ 10 કલાક મળશે વીજળી

વરસાદ પાછો ખેચાતા સિંચાઈ માટે મળશે પાણી

આવતીકાલથી ખેડૂતોને 8 નહિ પણ 10 કલાક મળશે વીજળી
symbolic image

Mysamachar.in-ગાંધીનગર

રાજયમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોએ પાકનું વાવેતર કર્યું છે, એ નિષ્ફળ જાય જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે, ખેડૂતોએ જે વાવેતર કર્યું છે એને અત્યારે પાણીની તાતી જરૂરિયાત છે, પાણી ન મળે તો પાક બળી જાય એવી સ્થિતિ છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના ખેડૂતોને સિંચાઇ-પાણી માટે સમસ્યા ન રહે તે માટે વધુ બે કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. આગામી 7 જુલાઈ એટલે કે આવતીકાલથી ખેડૂતોને 8ને બદલે હવે 10 કલાક વીજળી મળશે.

જો સમયસર વાવેતરમાં પાણી ન મળે તો પાક બળી જાય એવી સ્થિતિ છે, ખેડૂતોના કહ્યા પ્રમાણે, અત્યારે સૌરાષ્ટ્રમાં કપાસ, મગફળી, બાજરી, તલ જેવા પાકનું વાવેતર કરવામાં આવે છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકનું વાવેતર કરાયું છે. દક્ષિણ ગુજરાતમાં પરંપરાગત ડાંગર, બાગાયતી પાક હોય છે, જ્યારે મધ્ય ગુજરાતમાં પણ ડાંગર, કપાસ એમ મિક્સ પાકનું વાવેતર કરાય છે. રાજ્યમાં 10થી 15 દિવસ પહેલાં જે વરસાદ થયો ત્યારે ખેડૂતોએ વાવણી કરી નાખી હતી.

વાવણી બાદ મોટા ભાગના વિસ્તારમાં વધુ વરસાદ પડયો નથી, એટલે કૂવાના તળ જેટલાં આવવાં જોઇએ એટલાં આવ્યાં નથી. આવા સંજોગોમાં જે ખેડૂતો પાસે કૂવો છે તેઓ પાકને પાણી આપી શકે છે, પણ જેમની પાસે નથી તેઓ વરસાદની રાહ જોઇ રહ્યા છે. આવા સંજોગોમાં એકાદ સપ્તાહમાં વરસાદ થાય તો ઠીક નહીં તો પાક નિષ્ફળ જાય એવી સ્થિતિનું પણ નિર્માણ થાય તેવી જાણકાર ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે.