Mysamachar.in-અમદાવાદ:
છેલ્લા કેટલાક દિવસોથી માવઠા બાદ ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. એવામાં ગુજરાતના અનેક સ્થળોએ ભેજના પ્રમાણને કારણે ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું છે. આગામી 10મી ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા જોવાઈ રહી છે. ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે. ડિસેમ્બરની શરૂઆતમાં જ કમોસમી વરસાદે રાજ્યને હંફાવ્યું હતું. જો કે હવે હવામાન વિભાગ દ્વારા એક અપડેટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવે આકાશ સ્વચ્છ થતાં ટૂંક સમયમાં જ ઠંડીનો ચમકારો વધશે.
હવામાન વિભાગના મતે ગુજરાતમાં દિવસેને દિવસે ઠંડીનું જોર વધી રહ્યું છે. અમદાવાદમાં તા.7 અને 8ના રોજ 17 ડિગ્રી ઠંડી રહેશે. જ્યારે તા.9 થી તા.11 સુધી 16 ડિગ્રી ઠંડી રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલમાં જે ઠંડી પડી રહી છે તેમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી કોઈ ફેરફાર થશે નહીં. 10 ડિસેમ્બર પછી રાજ્યમાં ઠંડીનું જોર વધશે. બીજી બાજુ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન છવાયું છે જે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા સુધી ફેલાયેલું છે. જેના કારણે લઘુત્તમતાપમાનમાં પણ આગામી ચારથી પાંચ દિવસ સુધી કોઈ ફેરફાર થશે નહીં. અત્રે નોંધનીય છે કે, હવામાન વિભાગની આગાહીના મતે આગામી 10 ડિસેમ્બર બાદ ઠંડીનો ચમકારો વધશે.