નથુવડલા, બાદનપર અને જોડિયા ખાતેથી  NDRF  દ્વારા લોકોને બચાવવામાં આવ્યા

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે સ્થળાંતરીત કરાયા

નથુવડલા, બાદનપર અને જોડિયા ખાતેથી  NDRF  દ્વારા લોકોને બચાવવામાં આવ્યા

Mysamachar.in-જામનગર

જામનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. ગઈકાલે પુષ્કળ વરસાદથી અનેક ડેમ છલકાયા હતા. ભારે વરસાદની સ્થિતિમાં જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અનેક લોકો ફસાયા હતા જેમને એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયા હતા,તો અનેક નીચાણવાળા વિસ્તારના લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જેમાં કાલાવડ તાલુકાના નિકાવામાં તંત્ર દ્વારા 65 વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, તો કાલાવાડ શહેરમાં મ્યુનિસિપલ હાઇસ્કુલમાં 30 વ્યક્તિઓને સ્થળાંતરિત કરાયા છે,આ સાથે જ કાલાવડના  નાની વાવડીમાં એક વ્યક્તિના પાણીમાં તણાવાનો સંદેશ મળતા સ્થાનિક તરવૈયાની મદદથી વહીવટીતંત્ર દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

જામનગર તાલુકામાં ધ્રાંગડામાં 5 વ્યક્તિઓ વાડી વિસ્તારમાં ફસાયેલા હતા જેને સ્થાનિક તરવૈયાઓની મદદથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા તો વાગડીયા ગામે 11 વ્યક્તિઓનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમજ ચેલા ગામે 50  વ્યક્તિઓનું સી.ટી.સી કોલેજ ખાતે ફાયરબ્રિગેડની મદદથી સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. જોડિયા તાલુકાના બાદનપરના નવ વ્યક્તિઓ તથા જોડિયાના ૬૦વ્યક્તિઓનું એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું તેમજ જોડીયા ગામે ૩૦૫વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે લઇ જવામાં આવ્યા.એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા ધ્રોલ તાલુકાના નથુવડલા વાડી વિસ્તારમાં પાણીમાં ફસાયેલા 2 વ્યક્તિઓને રેસ્ક્યુ કરી સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા. આમ પુષ્કળ વરસાદમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ વિસ્તારના લોકોને બચાવી સલામત સ્થળે ખસેડી લોકોના જાનમાલને બચાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

આ ઉપરાંત જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં જોડિયા થી જાંબુડા પાટીયા હાઈવે ભારે વરસાદના કારણે નુકશાન પામેલ છે તેથી હાલ બંધ કરવામાં આવેલ છે. લાલપુર તાલુકામાં પોરબંદર-લાલપુર- જામનગર હાઇવે વચ્ચે લાલપુર ગામે આવતી ઢાંઢર નદી ઓવરફ્લો થતાં લાલપુર ગામમાંથી પસાર થતો હાઈવે હાલ બંધ છે, વૈકલ્પિક ધોરણે તેના માટે લાલપુર બાયપાસ ચાલુ છે. જ્યારે જામનગર શહેર તાલુકામાં લાલપુર બાયપાસ નજીક આવેલ જામનગર-સમાણા હાઇવે હાલ બંધ કરવામાં આવેલ છે.

-આગામી દિવસોમાં પુષ્કળ વરસાદની આગાહીના પગલે કલેકટરનો લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અનુરોધ

હાલ જામનગર જિલ્લામાં શ્રીકાર વર્ષા જોવા મળી છે ત્યારે હજુ આગામી દિવસોમાં પણ હવામાન વિભાગ દ્વારા પુષ્કળ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે કલેકટર રવિશંકરે કહ્યું છે કે, લોકો વહેતા કે એકઠા થયેલા પાણીમાંથી પસાર ન થાય, રસ્તા પર પણ ક્યાંય પાણી ભરાયેલું દેખાય તો તેને પસાર કરવાનો પ્રયાસના કરે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો વહીવટીતંત્રને સહયોગ આપીને સુરક્ષિત સ્થળે ખસી જાય.

આ ઉપરાંત કોઈપણ જગ્યાએ પાણી જોવા માટે, ડેમ ઉપર પાણી જોવા કે માછીમારી જેવી પ્રવૃત્તિઓ હાલમાં ખૂબ જોખમી છે તેથી લોકો આવી પ્રવૃત્તિઓ ટાળે. શહેરમાં પણ ઘણા લોકો પોતાના પરિવાર સાથે પાણી જોવા માટે નીકળી રહ્યા છે જે અતિ જોખમી છે, કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે બિનજરૂરી બહાર નીકળવું અત્યંત નુકસાનકારક સાબિત થાય છે. પોલીસ વિભાગની ટીમ દ્વારા લોકોને આવા ભયજનક અને જોખમી સ્થળેથી ખસેડવામાં આવી રહ્યા છે ત્યારે લોકો તંત્રને સહયોગ આપે તેમ કલેકટરએ અનુરોધ કર્યો છે.