Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં એક ખુબ ગંભીર કહી શકાય તેવી ઘટના સામે આવી છે, જેમાં બે શખ્સોની ધાકધમકી અને બળજબરીથી ત્રણ હજાર રૂપિયાની ઉઘરાણીથી ભયભીત બનીને એક યુવકે પોતાના પર ડીઝલ છાંટી મરી જવાનો પ્રયાસ કર્યો જો કે તેને ગંભીર હાલતમાં જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળે છે.આ મામલે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ થયો છે.
શહેરના કાલાવડનાકા બહાર મોરકંડારોડ પર વસવાટ કરતો અને ડ્રાઈવિંગનું કામ કરતા આશીફભાઇ આમદભાઇ ડોર નામના 36 વર્ષીય યુવકે અસ્લમ યાસીન શેખ પાસેથી પાસેથી રૂપીયા વ્યાજે લીધેલ હોય જેમાથી બાકી રહેતા રૂપીયા ત્રણ હજાર અસ્લમ શેખને ચુકવવાના બાકી હોય જે રૂપીયાની ઉધરાણી કરવા અસ્લમ અને અહેમદ સંધી એમ બન્ને શખ્સોએ સાથે જઈ ફોન કરી ઘરેથી બહાર બોલાવી જ્યાં અસ્લમ શેખે આશીફ પાસેથી રૂપીયા માંગતા પોતા પાસે રૂપીયાની સગવડ ન હોવાથી હાલ રૂપીયા આપવાની ના પાડતા અસ્લમ શેખ અને અહેમદ બોદું એક સંપ થઈ આશીફને ગાળો દઈ અને ઢીકા પાટૂનો મારા મારી પોતાના રૂપીયા પરત નહી આપે તો જાનથી મારી નાખીશુ તેમ ધમકી આપી બળજબરીથી પોતાના રૂપીયાની આશીફ પાસે ઉઘરાણી કરતા આશીફને ડર લાગતા પોતાની જાતેથી પોતાના શરીરે ડીઝલ છાટી સળગી જતા સારવાર અર્થે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં આ બન્ને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા એ ડીવીઝન પોલીસે ગણતરીની મીનીટોમાં બન્ને શખ્સોની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળે છે.