પોરબંદર સહિત રાજ્યભરમાં લોકો સાથે ઠગાઈ કરતી ગેંગના 4 શખ્સો ઝડપાયા

જે બાદ નજર ચૂકવી ડુપ્લીકેટ પડીકું આપી ઘરેણાં ભરેલુ પડીકું પોતે લઈને નાસી જતા

પોરબંદર સહિત રાજ્યભરમાં લોકો સાથે ઠગાઈ કરતી ગેંગના 4 શખ્સો ઝડપાયા

Mysamachar.in-પોરબંદર

ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ કે પછી અન્ય ઓળખ આપી અન્ય લોકો સાથે છેતરપિંડી કરી પૈસા અને દાગીના પડાવતી ઈરાની ગેંગના 4 શખ્સને પોરબંદર LCBએ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ચારેય શખ્સો સામે IPC કલમ 406, 420, 114 મુજબ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. આરોપીઓ સુલ્તાનખાન ઉર્ફે ગબ્બરઅલી ઉર્ફે અમજદખાન ઉર્ફે ભુરૂ મધ્યપ્રદેશ, ઇસાઅલી નબીઅલી ઉર્ફે નોસીર કાદરી ઇરાની મહારાષ્ટ્ર, મોહમદ બાકર ઉર્ફે બીની મીટુઇ યાસીનઅલી ઉર્ફે કાજી જાફરી મધ્યપ્રદેશ, અને રજાઅલી કુરબાનઅલી ઇરાની મધ્યપ્રદેશના રહેવાસી આ ચારેય શખ્સો પોલીસની કે અન્ય ઓળખ આપી મદદ કરવાના બહાને કોઈ મહિલાને જણાવતા કે, આગળ ચેકિંગ ચાલુ છે.

જેથી તમે તમારા પહેરેલા દાગીના આ પડીકામાં મૂકી તમારા પર્સ અથવા રૂમાલમાં રાખી દો. જે બાદ નજર ચૂકવી ડુપ્લીકેટ પડીકું આપી ઘરેણાં ભરેલુ પડીકું પોતે લઈને નાસી જતા હતાં. મહત્વનું છે કે પોરબંદર LCBએ બાતમી મળી હતી કે જામનગરથી પોરબંદર તરફ આવી રહ્યાં છે. જેથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કારમાં આવી રહેલા ચારેય શખ્સોને અટકાવવાની કોશિશ કરી હતી. પરંતુ તેઓ નાસી જતા પોલીસે પીછો કરીને ચારેયને ઝડપી પાડી રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.