આગાહી: એક સપ્તાહ સુધી રાજયમાં વરસી શકે છે વરસાદ

બંગાળની ખાડીમાં ઉદભવેલું લો પ્રેશર ગુજરાતમાં વરસાદી વાતાવરણ જમાવી શકે છે

આગાહી: એક સપ્તાહ સુધી રાજયમાં વરસી શકે છે વરસાદ
Symbolice image

Mysamachar.in:અમદાવાદ

રાજયના હવામાન વિભાગ દ્વારા આગાહી કરતાં કહેવામાં આવ્યું છે કે, આજે શુક્રવારથી એક સપ્તાહ સુધી ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ વરસી શકે છે. જો કે આગાહીમાં એમ પણ કહેવાયું છે કે, ઉત્તર ગુજરાતમા નોંધપાત્ર વરસાદ થવાની સંભાવનાઓ પણ નકારી શકાય નહીં. સાથેસાથે આગાહી એ પણ છે કે, સૌરાષ્ટ્ર પંથકમાં છૂટોછવાયો અને સામાન્ય વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ કહે છે: આજે શુક્રવારે રાજયમાં વરસાદી માહોલની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદ વરસી શકે છે. સમગ્ર રાજયમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આગામી એક સપ્તાહ સુધી રાજયમાં મેઘરાજા મહેર વરસાવી શકે છે, એમ પણ આગાહીમાં ઉમેરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ગુરુવારે બપોર બાદ સુરેન્દ્રનગર-બોટાદ અને ભાવનગર પંથકમાં સામાન્ય વરસાદ વરસ્યાના વાવડ છે. આગાહીમાં સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદનો ઉલ્લેખ છે. જામનગર શહેર અને જિલ્લામાં વાતાવરણમાં નોંધપાત્ર પલટો પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કાલાવડ પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળે છે. સૌરાષ્ટ્ર, મધ્ય, ઉત્તર ગુજરાતમાં આજે શુક્રવારે મહત્તમ તાપમાન 32 થી માંડીને 37 ડિગ્રી સુધીનું અનુભવવા મળી શકે છે. આગામી દિવસોમાં પણ વાદળોને કારણે ગોરંભાયેલી ગરમીનો અનુભવ થઈ શકે છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ ડેવલોપ થઈ હોય તેની અસરો ગુજરાતમાં દેખાઈ રહી છે.