ફરી આવી આ દિવસોમાં કમોસમી વરસાદની આગાહી 

જો કે બે દિવસ ઠંડીથી મળી શકે છે રાહત

ફરી આવી આ દિવસોમાં કમોસમી વરસાદની આગાહી 

My samachar.in : અમદાવાદ

આ વર્ષે રાજ્યમાં અનરાધાર વરસાદ અને બાદમાં ભર શિયાળે જાણે ચોમાસું હોય તેમ એક બાદ એક કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ખાસ તો ખેડૂતોની હાલત કફોડી થઇ રહી છે, એવામાં રાજ્યના ખેડૂતો માટે વધુ એક વખત માઠા સમાચાર આવ્યા છે. જેમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 21 અને 22 જાન્યુઆરીએ કમોસમી વરસાદની સંભાવનાઓ વ્યકત કરાઈ રહી છે, જેમાં ઉત્તર ગુજરાત, કચ્છમાં વરસાદથી પાક ખરાબ થવાની શક્તાઓ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન બદલાશે. તથા બે દિવસ બાદ ઠંડીથી પણ રાહત મળશે.

હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ઠંડા પવનોને કારણે દિવસ દરમિયાન પણ ઠંડી અનુભવાઈ રહી છે. રાજ્યમાં 9 જાન્યુઆરીથી આજદિન સુધી મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે. જેના લીધે ગાત્રો થિજવી દેતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે, ત્યારે આગામી 18થી 22 જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સ્થિતિને કારણે રાજ્યના તાપમાનમાં એકથી ચાર ડિગ્રી જેટલો વધારો થતા ઠંડીથી રાહત મળશે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિના દરમિયાન વિવિધ સર્જાયેલી સિસ્ટમને કારણે રાજ્યના વાતાવરણમાં સંખ્યાબંધ વખત પલટો આવ્યો છે જેના કારણે કમોસમી વરસાદ પણ થયો છે. ત્યારે વધુ એક વખત માવઠાની વકીને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે 18, 19 અને 20,21 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે. જેના કારણે રવી પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે.