સોલાર પેનલનાં નુકસાન બદલ વળતર ન માંગી શકાય

ગ્રાહક તકરાર નિવારણ ફોરમે ચુકાદામાં જણાવ્યું કે,.....

સોલાર પેનલનાં નુકસાન બદલ વળતર ન માંગી શકાય
File image

Mysamachar.in:ભાવનગર

જામનગર અને દ્વારકા જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં તાજેતરમાં ભારે વરસાદ અને પવન તેમજ વાવાઝોડું અને મિની વાવાઝોડાની સ્થિતિ દરમિયાન ઘણાં બધાં લોકોએ પોતાના ઘરો પરની સોલાર પેનલમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે પરંતુ આ નુકસાન બદલ કોઈ જ વળતર મળી શકશે નહીં એવું એક ચુકાદામાં ઠરાવવામાં આવ્યું છે. સોલાર પેનલ નુકસાન અંગે ભાવનગરમાં એક વળતર દાવો થયો હતો. પરંતુ ગ્રાહક તકરાર નિવારણ ફોરમે આ દાવો કાઢી નાખ્યો છે અને સોલાર પેનલ કંપનીની તરફેણમાં ચુકાદો આપ્યો છે. ફોરમે કહ્યું છે: આ પ્રકારના નુકસાન બદલ વળતરની માંગણી કરી શકાય નહીં.

આ કેસમાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમે ચુકાદામાં જણાવ્યું છે કે, સોલાર પેનલ કંપની જે વોરંટી આપે છે તે માત્ર મેન્યુફેકચર ક્ષતિઓ માટે હોય છે. અથવા તો ઇન્સ્ટોલેશનમાં કોઈ ખામી રહી ગઈ હોય તો વોરંટી કામ આવી શકે. કોઈ પણ પ્રકારના બાહ્ય પરિબળો કે તેને કારણે પ્રોડક્ટ પર થયેલી અસરો સંદર્ભમાં વોરંટી લાગુ પડી શકે નહીં. આ કેસ 2020 ની સાલનો ભાવનગરનો કેસ છે અને રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ ફોરમે આ ચુકાદો આપ્યો છે.

આ કેસમાં જેતે સમયે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે એવો ચુકાદો આપ્યો હતો કે, ગ્રાહકને નુકસાન બદલ રૂ.1 લાખ, માનસિક પરેશાની બદલ રૂ.50,000 અને કાયદાકીય કાર્યવાહી ખર્ચ પેટે રૂ.5,000 ચૂકવવામાં આવે. ત્યારબાદ કંપની આ કેસને રાજ્યકક્ષાની ફોરમમાં ઢસડી ગઈ હતી જ્યાં કંપનીની તરફેણમાં ચુકાદો આવ્યો છે. જો કે ચુકાદા દરમિયાન એવું પણ કહેવાયું કે, કંપનીની વોરંટી વાવાઝોડાંને કારણે થયેલાં નુકસાનને કવર કરે છે કે કેમ ? તે સ્પષ્ટ નથી.