સલાયામાં નવજાત બાળકને ત્યજી દેનારી નિષ્ઠુર માતા સામે ફિટકાર

પ્રાથમિક સારવાર સલાયા બાદ જામનગર રીફર કરાયું 

સલાયામાં નવજાત બાળકને ત્યજી દેનારી નિષ્ઠુર માતા સામે ફિટકાર
symbolice image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

ખંભાળિયા તાલુકાના સલાયા ગામેથી ગઈકાલે સવારના સમયે એક માસુમ શિશુ મળી આવ્યું હતું. જીવિત હાલતમાં માસુમ બાળકને ત્યજી દેનારી માતા સામે સલાયા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.આ અંગેની વિગત મુજબ સલાયામાં આવેલા જસરાયા ચોક વિસ્તારમાં ગઈકાલે સોમવારે સવારે એક તાજુ જન્મેલું બાળક પડ્યું હોવાનું સ્થાનિકોને ધ્યાને આવતા આ અંગે સલાયા મરીન પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી સ્થાનિક પી.આઈ. અક્ષય પટેલ તથા સ્ટાફ આ સ્થળે દોડી ગયા હતા અને જીવિત હાલતમાં રહેલા આ નવજાત બાળકનો કબજો મેળવી તેને પ્રાથમિક સારવાર સલાયા આપ્યા બાદ વધુ સારવાર માટે જામનગર જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે.

કોઈ સ્ત્રીએ પોતાનું પાપ છુપાવવા માટે આ માસુમ નવજાત શિશુને ત્યજી દીધું હોવાનું માની, આ અંગે સલાયાના એક મહિલાએ આ નવજાત શિશુના માતા સામે સલાયા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. જે સંદર્ભે પોલીસે આઈપીસી કલમ 317 મુજબ ગુનો નોંધી, પી.આઈ. અક્ષય પટેલ દ્વારા આ નવજાત શિશુના માતાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.