Mysamachar.in-ગાંધીનગર
રાજયમાં સુરત અને અમદાવાદમાં બહુમાળી બિલ્ડીંગોમાં આગ લાગવાની ઘટનાઓ બાદ રાજ્યમાં ફાયર સેફ્ટીને લઈને ગુજરાત હાઈકોર્ટે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. તે પછી હવે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે ગુજરાતમાં હાઈરાઈઝ બિલ્ડીંગો, વાણિજ્યક સંકુલ, સ્કૂલો, કોલેજ, હોસ્પિટલ, ઔદ્યોગિક એકમો આ તમામ જગ્યાએ ફાયર સેફ્ટીનું NOC મેળવવું ફરજિયાત રહેશે. રાજ્યમાં આ સંકુલો માટે NOC ફરજિયાત કરી દીધી છે અને દર 6 મહિને આ ફાયર સેફ્ટી NOC રિન્યુઅલ કરાવવું પડશે. તે માટે રાજ્યમાં ખાસ ફાયર સેફ્ટી ઓફિસરોની નિમણૂક ‘ફાયર સેફ્ટી એકટની’ કલમ 12 મુજબ કરવામાં આવશે.
રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલ્કતને આગથી સંરક્ષણ આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે દરેક બહુમાળી બિલ્ડિંગો, ઊંચા મકાનો, સ્કૂલ- કોલેજ, વાણિજ્યક સંકુલ, હોસ્પિટલસ, ઔદ્યોગિક એકમો વગેરે માટે ફાયર સેફટીનું NOC ફરજિયાતપણે મેળવવાનું રહેશે. તેમજ દર 6 મહિને તેનું રિન્યુઅલ પણ ફરજિયાત કરાવવાનું રહેશે. રાજ્ય સરકારે આ માટે પ્રાયવેટ યુવા ઇજનેરોને જરૂરી સરકારી તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા પરવાનગી આપશે.
આ ફાયર સેફ્ટી ઓફિસર પાસેથી દરેક મકાન માલિકો, કબજેદારો, ફેકટરી ધારકોએ સૌએ NOC મેળવવાનું અને દર 6માસના અંતે નિયમનુસાર તેને રીન્યુઅલ પણ કરાવવાનું રહેશે. ગુજરાતના નગરો અને મહાનગરોમાં ફાયર સેફ્ટી એકટની કલમ 12 મુજબ આ પ્રકારે ફાયર સેફ્ટી ઓફિસરની પેનલ તૈયાર કરવામાં આવશે અને ફાયર સેફ્ટી ઓફિસરોની નિમણૂક કરવામાં આવશે. રાજ્ય સરકારની આ પહેલથી સિવિલ, મિકેનીકલ, ઇલેક્ટ્રીકલ, ફાયર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્ર સહિતના યુવા એન્જિનિયર્સને સ્વરોજગારીની નવી તકો મળતી થશે.
ફાયર સેફ્ટી ઓફિસરની સેવાઓ વ્યાપક સ્તરે મળતી કરવા માટે અને NOC મેળવવાની અને તેને રીન્યુલ કરવની પ્રક્રિયા સરળતાથી થઈ શકે તે માટે ફાયર સેફ્ટીને લગતી તમામ પ્રકારની તાલીમ અને સુવિધાઓ માટે રાજ્ય સરકાર ઓફલાઇન અને ઓનલાઇન સર્ટિફિકેટના મોડ્યુલ વિકસાવી કાર્યરત કરશે. રાજ્યમાં આવેલા અંદાજે પાંચ લાખથી વધુ આવા ઊંચા મકાનો, બહુમાળી બિલ્ડિંગો વાણિજ્યિક સંકુલ, શાળા-કોલેજો, હોસ્પિટલ, ઔદ્યોગિક એકમોને રાજય સરકારના આ નિર્ણયથી એન.ઓ.સી. મેળવવાનું અને દર છ માસે રિન્યુઅલ કરાવવાનું ખૂબ જ સરળ બનશે. તેમજ રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોનાં જાન-માલ-મિલકતને આગથી સંરક્ષણ પણ મળી રહેશે.