હોસ્પીટલમાં મોતની આગ, 16 જીવ ભૂંજાઈ ગયા

રા.સરકારે 4-4 લાખની સહાયની કરી જાહેરાત

હોસ્પીટલમાં મોતની આગ, 16 જીવ ભૂંજાઈ ગયા

Mysamachar.in-ભરૂચ

રાજ્યમાં વારંવારની ન્યાયલયોની ટકોર બાદ પણ જીલ્લા પ્રશાશનો હોસ્પિટલોમાં માત્ર ચેકિંગ સિવાય કોઈ કાર્યવાહીને લઈને ગંભીર નથી જેના પરિણામસ્વરૂપે રાજ્યની જુદી જુદી હોસ્પિટલોમાં છાશવારે આગ ફાટી નીકળે છે અને કેટલાય જીવ ભૂંજાઈ જાય છે, આવી જ વધુ એક દુખદ ઘટના ગુજરાતમાં વધુ એક વખત સામે આવી છે, ભરૂચના બાયપાસ રોડ પર આવેલ પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં શુક્રવાર મોડી રાત્રે ભયંકર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ICU સહિત હોસ્પિટલના અનેક ભાગમાં આગ પ્રસરતા અફરાતફરીની માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 12 દર્દી અને 2 સ્ટાફ કર્મી સહિત 16 લોકોના મૃત્યુ થયા હોવાના એહવાલ સાંપડ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન પુર જોશમાં હાથ ધરવામાં આવ્યું છે ત્યારે મૃત્યુઆંક વધવાની પુરી સંભાવના વર્તાઈ રહી છે.

ભરૂચ જંબુસર બાયપાસ રોડ પર આવેલી વેલ્ફેર હોસ્પિટલને ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં જાહેર કરવામાં આવી હતી. જેથી ભરૂચના અનેક કોરોના પોઝિટીવ દર્દીઓને આ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી હતી. તેવામાં મધ્યરાત્રીએ હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં અચાનક આગ લાગતા 12 દર્દીઓ, 2 કર્મી અને સહિત 16 લોકો બળીને ભડથું થઇ ગયા હોવાના અહેવાલ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યાં છે. હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને રેસ્ક્યૂ કરી અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે 40 ઉપરાંત એમ્બ્યૂલન્સ બચાવ કામગીરીમાં લાગી હતી.

ગુજરાત સ્થાપનાનો દિવસ ભરૂચવાસીઓ માટે કાળો દિવસ બનીને આવ્યો છે. ક્યારેય ન ભૂલાય તેવી ઘટના ભરૂચમાં બની હતી. ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલમાં મધરાતે અચાનક આગ ફાટી નીકળતા, 14 દર્દીઓ અને 2 નર્સ સહિત કુલ 16 લોકો આગમાં જીવતા ભૂંજાયા હતા. ત્યારે ગુજરાત સરકારે તમામ મૃતકો માટે 4 લાખની સહાય જાહેર કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને કહ્યું કે, ભરૂચની હોસ્પિટલમાં લાગેલી આગની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દર્દીઓ, ડૉક્ટરો અને હોસ્પિટલના સ્ટાફ પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય આપશે.