દહેજ લાલચુ પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

પિતાએ બાઈક લેવા 30 હજાર પણ આપ્યા હતા પણ

દહેજ લાલચુ પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી
symbolic image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

આજના સમયમાં જયારે દરેક લોકો સમજુ છે, એકબીજાના પરિવારોની આર્થિક સ્થિતિઓ જાણતા હોવા છતાં પણ પુત્રવધુઓને દહેજ માટે શારીરિક માનસિક ત્રાસ ગુજારવામાં આવતા હોવાના કેટલાય કિસ્સાઓ સામે આવતા રહે છે, આવો જ વધુ એક કિસ્સો દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા મંડળના સુરજકરાડી ખાતે રહેતા એક યુવાન દ્વારા પોતાની પત્ની પાસે દહેજની માંગણી કરી, ત્રાસ ગુજારવામાં આવતા આખરે કંટાળીને તેની પત્નીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

આ સમગ્ર પ્રકરણમાં પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ જામનગરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા પરસોતમભાઈ કાનજીભાઈ રત્નાગર નામના 56 વર્ષીય એક પ્રૌઢની 27 વર્ષીય પુત્રી હેતલબેનના લગ્ન થોડા સમય પૂર્વે દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના સૂરજકરાડી ખાતે રહેતા નિતીન પીઠાભાઇ શ્રીમાળી સાથે થયા હતા. નિતીન દ્વારા તેઓના લગ્ન જીવન દરમિયાન હેતલબેનને "તું તારા બાપના ઘરેથી કરિયાવરમાં કંઈ લાવી નથી"- તેમ કહી, નાની-નાની બાબતે મેણાં-ટોણાં મારી અને ઝઘડા કરી, માર મારવામાં આવતો હતો. આટલું જ નહીં, નિતીન દ્વારા પોતાની પત્નીને કરિયાવર લાવવા માટે દબાણ કરવામાં આવતું હોવાથી તેણીના પિતા પરસોત્તમભાઈએ નિતીનને બાઈક લેવા માટે 30 હજાર રૂપિયા પણ આપ્યા હતા.

આમ, દહેજની માંગણી સાથે અવારનવારના ત્રાસથી કંટાળીને હેતલબેને થોડા સમય પૂર્વે સુરજકરાડી ખાતેના તેઓના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આમ, આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા આપવા અંગે મૃતકના પિતાની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે પતિ નીતિન પીઠાભાઈ શ્રીમાળી સામે આઈ.પી.સી. કલમ 306, 498 (ક) તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ મીઠાપુરના પી.આઈ. જે.કે. ડાંગર દ્વારા હાથ ધરવામાં આવી છે.