બેરોજગાર પુત્રને પિતાએ કહ્યું કઈક કામ કર...પુત્રએ કર્યો જીવલેણ હુમલો

ઘોર કળયુગ

બેરોજગાર પુત્રને પિતાએ કહ્યું કઈક કામ કર...પુત્રએ કર્યો જીવલેણ હુમલો

mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

કારમી મોંઘવારી વચ્ચે આ વર્ષે વરસાદ પણ ઓછો પડેલ છે તેવામાં ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા કોળી વૃધ્ધે પોતાના બેરોજગાર પુત્રને કામ ધંધો કરવા માટે સલાહ આપતા ઉશ્કેરાયેલા પુત્રએ પિતા પર લાકડી વડે જીવલેણ હુમલો કર્યાનો બનાવ ભાણવડ તાલુકાનાં સઈ દેવળીયા ગામે બન્યો છે સગા પુત્રએ પિતા ઉપર ખૂની હુમલો કર્યાની ફરિયાદ થતાં ભાણવડ પંથકમાં ચકચાર જાગી છે,

દેવભુમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાનાં સઈ દેવળીયા ગામે વસવાટ કરતાં બાબુભાઇ પરમાર નામના કોળી ખેડૂતને સંતાનમાં બે પુત્રોમાં મોટો પુત્ર જીતેન્દ્ર અને નાનો પુત્ર દિલીપ હોય કોળી પરિવાર ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે દરમ્યાન બાબુભાઇ પરમારે પોતાના નાના પુત્ર દિલીપ નવરો રખડતો હોવાથી કામ ધંધો કરવાની બે દિવસ પહેલા સલાહ આપી હતી પરંતુ દિલીપ ને વારંવાર ઠપકો આપતા પિતાની વાત સારી ન લાગતાં ઉશ્કેરાઈને પિતા ઉપર લાકડી વડે તૂટી પડતાં બાબુભાઈને જીવલેણ ગંભીર ઇજા થવાથી જી.જી.હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે,

આ બનાવ અંગે બાબુભાઇ પરમારના મોટા પુત્ર જિતેન્દ્રએ તેના નાના ભાઈ દિલીપ વિરુદ્ધ ખૂની હુમલાની કલમ ૩૦૭ હેઠળ ભાણવડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે હાલ પિતા ઉપર ખૂની હુમલો કરીને પુત્ર નાશી છૂટ્યો છે જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.