ખેડૂતે 10 કરોડ મેળવવાની લાલચમાં 23 લાખ ગુમાવ્યા

સાધુનો સ્વાંગ રચીને આવેલ ગઠીયાએ કહ્યું....

ખેડૂતે 10 કરોડ મેળવવાની લાલચમાં 23 લાખ ગુમાવ્યા

Mysamachar.in:અમરેલી

આજના સમયમાં કેટલાક શખ્સો એવા હોય છે જે તકનો લાભ મળતા જ સામેવાળી વ્યક્તિને શીશામાં ઉતારી અને તેની પાસેથી યેનકેન પ્રકારે નાણા ખંખેરી લે છે, આવો જ વધુ એક કિસ્સો અમરેલી જીલ્લામાં સામે આવ્યો છે, જ્યાં એક ખેડૂતને રસ્તામા મળી ગયેલા ચાર સાધુઓએ ચમત્કારથી રૂપિયા 10 કરોડની રકમ અપાવવાની લાલચ આપી રૂપિયા 23 લાખની છેતરપીંડીનો મામલો અંતે પોલીસ સુધી પહોચ્યો છે.

મળતી માહિતી મુજબ અમરેલી જીલ્લાના દામનગર નજીક કાચરડી ગામના ધીરૂભાઇ કુકડીયા નામના ખેડૂતે પોલીસ ફરિયાદ જાહેર કરી છે કે ગત તા. 20/10/22ના રોજ તેઓ વાડી નજીક રોડે બેઠા હતા ત્યારે એક કારમાં ત્રણ ભગવાધારી શખ્સો આવ્યા હતા અને જય ગીરનારી કહી જ્ઞાન અને ચમત્કારની વાતો કરવા લાગ્યા હતા. દક્ષિણા માંગતા ખેડૂતે મારી પાસે પૈસા નથી તેમ કહ્યુ હતુ.

પરંતુ એક સાધુએ આ ખેડૂતના ઉપલા અને પાછલા ખીસ્સામાંથી 500ની નોટો કાઢી બતાવી ચમત્કાર કર્યો હોવાનો ભાસ કરાવ્યો હતો. બાદમા આ શખ્સો મોબાઇલ નંબર આપી ચાલ્યા ગયા હતા. થોડા દિવસ બાદ ફરી ખેડૂત ધીરુભાઈને ફોન કરી કરજામાંથી કાઢી દઇ સુખી કરી આપીશ તેમ કહી 10 કરોડની રકમ મળશે તેવી વાતો કરી વિશ્વાસમાં લીધા હતા અને ખેડૂતને કરોડો રૂપિયા મળશે તેવી લાલચ આપી હતી અને તેણે રાજકોટ નજીક બોલાવ્યો હતો. અવાવરૂ સ્થળે બાવળની કાટમા તે સમયે બે સાધુ હાજર હતા. ચમત્કારથી આ પેટીને ધુપ દીધા બાદ પૈસા નીકળશે તેમ કહ્યું હતુ. આ પેટી તેને આપી દીધી હતી.

તે વખતે 23 ગ્રામ સોનાના દાગીના તેની પાસેથી લીધા હતા.બાદમા 21 તોલાના સોનાનો ધુપ આપવો પડશે તેવુ બે વખત કહી તેની પાસેથી બે વખત 10 લાખથી વધુની રકમ પડાવી હતી. 10 કરોડની રકમ મળશે તેવી આશાએ ધીરૂભાઇ કુકડીયાએ પોતાના ઘરે ઘાસ નીચે સંતાડેલી પેટી ખોલીને જોતા તેમાંથી કશુ નીકળ્યુ ન હતુ. થોડા દિવસો સુધી આ શખ્સોએ ફોન પર અમે તારા ઘરે આવી વિધી કરીશુ તેવુ આશ્વાસન આપ્યુ હતુ અને ત્યારબાદ ફોન પણ બંધ થઇ ગયો હતો. આમ 23 લાખની રકમ ડૂબતા આખરે પરિવારને વાત કરી ગઇકાલે તેઓ ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચ્યા હતા.