ખેડૂતે રૂપિયા 6 લાખનાં ઘઉં સરકારને આપ્યા, સરકાર નાણાં ચૂકવતી નથી !

ટેકાનાં ભાવની પદ્ધતિમાં ખેડૂત 'ગ્રાહક' નથી: ફોરમનો ચુકાદો

ખેડૂતે રૂપિયા 6 લાખનાં ઘઉં સરકારને આપ્યા, સરકાર નાણાં ચૂકવતી નથી !
Symbolice image

Mysamachar.in:અરવલ્લી

મેઘરજ તાલુકાનાં આર.એન.જાડેજા નામનાં એક ખેડૂતે સરકારી ટેકાનાં ભાવની વ્યવસ્થા હેઠળ, પોતાનાં 30,750 કિલો ઘઉં લઘુતમ ટેકાનાં ભાવે સરકારને વેચાણથી આપ્યા. નાગરિક પૂરવઠા નિગમનાં અરવલ્લી જિલ્લાનાં તંત્રએ આ ઘઉંની ખરીદી કરી. આ વ્યવહારમાં ખેડૂતનાં નામનું કોમ્પ્યુટરાઈઝડ બિલ બની ગયેલું છે. બિલની રકમ રૂપિયા 6.07 લાખ છે. આ નાણાં સરકારી તંત્ર દ્વારા ખેડૂતને ચૂકવવામાં આવ્યા નથી. દરમિયાન, એપ્રિલ-2021નાં અરસામાં સંબંધિત અધિકારીનું કોરોનામાં મૃત્ય થયું. આ ઘટના બાદ નવા અધિકારી આવ્યા. તેમણે પણ આ ખેડૂતને નાણાં ચૂકવ્યા નથી !

આથી પોતાનાં કાયદેસરનાં નાણાં મેળવવા આ ખેડૂતે ગ્રાહક સુરક્ષા ફોરમમાં કેસ દાખલ કર્યો. ત્યાં ફોરમે ચુકાદો આપ્યો કે, આ વ્યવહારમાં ખેડૂત 'ગ્રાહક' નથી. ફોરમે કહ્યું: ખેડૂતે ગોડાઉનમાં ઘઉં જમા કરાવ્યા હોય અને તંત્રમાં કોઈ ગેરરીતિ થઈ હોય તો પણ આ મુદો ગ્રાહક તકરાર નિવારણ ફોરમનાં કાર્યક્ષેત્રમાં આવતો નથી. કેમ કે, આ વ્યવહારમાં ખેડૂત 'ગ્રાહક' ની વ્યાખ્યામાં નથી. જો કે નવા અધિકારીએ આ ખેડૂતને હજુ સુધી નાણાંનું ચૂકવણું કયા કારણથી કર્યું નથી ? અને, આ ખેડૂતે હવે નાણાં મેળવવા સરકારની કઇ ઓથોરિટી સમક્ષ જવું ?! વગેરે પ્રશ્નોનાં જવાબો હાલ જાહેર થયા નથી ! ખેડૂત બે વર્ષથી ચિંતામાં છે.