નકલી દૂધનું કૌભાંડ...કઈ ચીજવસ્તુઓના મિશ્રણ થી બનતું નકલી દૂધ
કેટલા સમયથી આ રીતે ભેળસેળ ચાલી રહી હતી તે તપાસ શરુ

Mysamachar.in-પંચમહાલ
રાજ્યમાં વધુ એક વખત સામે આવ્યું છે, સફેદ દૂધનું કાળું કૌભાંડ...કાળું કૌભાંડ એટલા માટે કે અહી દુધમાં મોટાપાયે ભેળસેળ ચાલી રહી હતી, ભલે આપણે દૂધને સંપૂર્ણ આહાર માનીએ છીએ. ઘરનાં તમામ સભ્યો આ દૂધ પીએ તેવો આગ્રહ પણ રાખતા જ હોઇએ છીએ. પરંતુ પંચમહાલનાં શહેરામાં નકલી દૂધ બનાવીને વેચાણ થઇ રહ્યાનો પર્દાફાશ થયો છે,કનૈયા ડેરી ફાર્મ નામની દૂધની દુકાનમાંથી નકલી દૂધનો મોટો ઝડપી પાડવામાં આવ્યો છે. કનૈયા દૂધ નામની દુકાને યુરિયા ખાતરમાંથી દૂધ બનાવી વેચાણ કરાતું હોવાથી પાલિકાના ફૂડ એન્ડ સેફટી વિભાગે દૂધની દુકાન સીલ કરી સંચાલક સામે કાર્યવાહી શરૂ કરી છે. જાણવા મળ્યું છે કે, આ ડેરી યુરિયા ખાતર, શેમ્પૂ અને તેલમાંથી દૂધ બનાવી લોકોને વેચતા હતાં.
પંચમહાલ જીલ્લાના શહેરા નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી નકલી દૂધ લોકોને આપીને તેમના જીવ સાથે રમત રમવામાં આવતી હતી.આ માહિતી નગરપાલિકાના ફૂડ અને સેફટી વિભાગને મળી હતી. જેને લઈને પાલિકાના ફૂડ અને સેફ્ટી વિભાગ દ્વારા ખાનગી રાહે તપાસ શરૂ કરવામાં આવી હતી. બાતમીના આધારે ફૂડ અને સેફ્ટી વિભાગ દ્વારા ગઇકાલે આ રહેણાંક મકાન પર છાપો મારવામાં આવ્યો હતો. જેમાં ઘરમાંથી નકલી દૂધ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતા તમામ હાનિકારક પદાર્થો મળી આવ્યા હતા. જ્યારે આ રહેણાંક મકાનમાંથી યુરીયા ખાતરની એક બેગ, રાની કપાસિયા તેલના 10 ઉપરાંત ભરેલા પાઉચ અને 50 ઉપરાંત ખાલી પાઉચ મળી આવ્યા હતા.