અલગ અલગ માણસોના નામે બનાવટી લાયસન્સ કૌભાંડ સામે આવ્યું 

ખંભાળિયાના સલાયા ગામે બનાવટી લાયસન્સ સંદર્ભે ત્રણ શખ્સો સામે ગુનો

અલગ અલગ માણસોના નામે બનાવટી લાયસન્સ કૌભાંડ સામે આવ્યું 

Mysamachar,in:દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બનાવટી લાયસન્સ સંદર્ભેનું એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. જેમાં આરંભડાના એક શખ્સ દ્વારા ખંભાળિયા તાલુકાના સલાયા ગામના ત્રણ શખ્સોને બનાવી આપવામાં આવેલા બનાવટી લાયસન્સ પોલીસે જપ્ત કરી, આ અંગે ધોરણસર ગુનો દાખલ કર્યો છે.આ સમગ્ર પ્રકરણમાં પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા અબ્દુલ ઓસમાણ બારોયા, બિલાલ હારુન સુંભણીયા અને મામદ હુશેન હાજી હુદડા નામના ત્રણ શખ્સો પાસે બનાવટી લાયસન્સ હોવાનું પોલીસ કાર્યવાહીમાં ધ્યાને આવ્યું હતું. જે અંગે ખંભાળિયાની આર.ટી.ઓ. કચેરીમાં ખરાઈ કરતા ઉપરોક્ત ત્રણેય શખ્સોના લાયસન્સ બોગસ હોવાનું જાહેર થયું હતું.

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસમાં દ્વારકા તાલુકાના આરંભડા ખાતે રહેતો જાકીર જુસબ સંઘાર નામના શખ્સ દ્વારા પોતાના આર્થિક ફાયદા માટે આ પ્રકારની છેતરપિંડી કરી અને ગ્રાહકો સાથે વિશ્વાસઘાત કરી, સરકારને નુકસાન પહોંચાડવા બનાવટી લાયસન્સ કઢાવી આપવામાં આવતા હતા.આથી સલાયા મરીન પોલીસે ઉપરોક્ત ચારેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 406, 420, 465, 467, 468, 471 તથા 474 મુજબ ગુનો નોંધી, સલાયાના ત્રણેય શખ્સોની અટકાયત કરી હતી. જ્યારે આરંભડાના જાકીર જુસબને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ પ્રકરણ અંગે આગળની તપાસ સલાયા મરીન પોલીસ મથકના પી.આઈ. એ.એમ. પટેલ ચલાવી રહ્યા છે.