કારખાનેદારે એક પત્ની હોવા છતાં યુવતીને ફસાવી બોગસ લગ્ન કરી વારંવાર દુષ્કર્મ આચર્યું

દ્વારકા મંદિર ખાતે કર્યા હતા બોગસ લગ્ન

કારખાનેદારે એક પત્ની હોવા છતાં યુવતીને ફસાવી બોગસ લગ્ન કરી વારંવાર દુષ્કર્મ આચર્યું
symbolic image

Mysamachar.in-મોરબી:અતુલ જોશી 

તાજેતરમાં જ જામનગરની એક યુવતીનો એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં સરકારી પરીક્ષા આપવા રાજકોટ ખાતે ગયેલ યુવતીને એક યુવકે લગ્નની લાલચ આપી અને રાજકોટની હોટેલોમાં લઇ જઈ અને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી, આવો અન્ય એક દુષ્કર્મનો કિસ્સો મોરબી શહેરમાં સામે આવ્યો છે, મોરબીના કારખાનેદાર યુવતીને પોતાની જાળમાં ફસાવી પોતે પરિણીત હોવા છતાં બોગસ લગ્ન કરી પત્નીની જેમ રાખી અનેક વખત શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યાનો ગુનો પોલીસ ચોપડે નોંધાયો છે. આ મામલે પરિણીત કારખાનેદાર અને તેની પત્ની વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી છે. મોરબી શહેર એ ડિવિઝનથી મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ પર મામાના ઘરે રહેતી યુવતી કારખાનામાં કામે જતી હતી. કારખાનેદાર નયનએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી.

કારખાનેદાર પોતે પરિણીત હોવા છતાં આ વાત છૂપાવી યુવતીને દ્વારકા જિલ્લામાં લઇ જઈને રાંદલ માતાજી મંદિરે ચાર વર્ષ પૂર્વે માથામાં સિંદુર ભરી અને મંગલસૂત્ર પહેરાવી ઈશ્વરની સાક્ષીએ લગ્ન કર્યા હતા. યુવતી સાથે ઠગાઈ કરીને લગ્ન કર્યાનું નાટક કર્યા બાદ કારખાનેદારે યુવતીને જુદી જુદી જગ્યાએ લઈ જઇને અવારનવાર શરીર સંબંધ બાંધતો રહ્યો હતો, બાદમાં કોઈ બાબતને લઈને  નયન નામના આરોપીએ યુવતીના ઘરે જઈને લાફા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ મામલે યુવતીએ ફરિયાદ કરી છે કે પરિણીત કારખાનેદારે તેની પત્ની ચેતનાબેનને છૂટાછેડા આપવાનો ભરોસો આપ્યો હતો. યુવતીએ હવે આ મામલે કારખાનેદાર સામે દુષ્કર્મ અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કારખાનેદાર અને તેની પત્ની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરુ કરી છે.