ફેસબુક પ્રેમિકાએ પ્રેમી યુવક પાસેથી 3 લાખથી વધુની રકમ આ રીતે પડાવી લીધી
પછી ધમકી આપતા મામલો પોલીસ સુધી પણ પહોચ્યો

Mysamachar.in-સાબરકાંઠા
સોશ્યલ મીડિયાના આધુનિક યુગમાં લોકો એકબીજાથી અજાણ હોવા છતાં પણ ઝડપથી આકર્ષાઈ રહ્યા છે અને એકબીજાની વાતોમાં ફસાઈ રહ્યા છે, ક્યારેક તેના નકારાત્મક પરિણામો પણ સામે આવે છે, આવું જ હિમતનગરના ઇડર તાલુકામાં સામે આવ્યું,.. જ્યાં પોશીનાનો છુટાછેડા લીધેલ 35 વર્ષીય યુવક ફેસબૂકીયા પ્રેમમાં પડ્યા બાદ કથિત બે સંતાનોની માતાએ પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ધીમે ધીમે રૂ.3.14 લાખ પડાવી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા યુવકે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોશીના ગામના કમલેશભાઈ ફેસબૂક આઇડી પર શિતલ નામની આઈડી પરથી હાઈ મેસેજ આવ્યા બાદ બંને વચ્ચે વાતચીત બાદ એકબીજાના પરિવારથી પણ પરિચિત થયા હતા.મિત્રતા બંધાયા બાદ ઓક્ટો-20માં શિલ્પા પટેલ નામની યુવતીને મળવા કમલેશભાઈ વડોદરા જતા શિતલે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. જેને છુટાછેડા લીધેલ કમલેશભાઈએ સ્વીકારી લીધો હતો. ત્યારબાદ થોડા દિવસ પછી શિતલે જણાવ્યું કે શૈલેન્દ્રસિંહ નામના શખ્સ સાથે અગાઉ લગ્ન થયા હતા અને 13 વર્ષની દીકરી તથા 16 વર્ષનો દીકરો હોવાનું તથા મનમેળ ન આવતા છુટાછેડા લીધાનું જણાવ્યું હતું.
થોડા અરસા બાદ તેની દીકરીનો બર્થ ડે હોવાનું જણાવી તા.01/09/20 ના રોજ રૂ. 5 હજાર, ઓક્ટો-20માં રૂ. 6 હજાર અને તા.19/11/20 ના રોજ રૂ. 3 હજાર શિતલે મંગાવ્યા હતા તેના એકાદ મહિના પછી ભાડું ચઢી ગયાનું જણાવી રૂ.70 હજાર, દીકરાને આઇટીઆઇ કરાવવા રૂ.50 હજાર, વડોદરામાં ફ્લેટ બુક કરાવવા રૂ.1.80 લાખ અને સોનાની વીંટી આપી હતી. થોડા દિવસ બીયર પીતા ફોટા જોવા મળતા કમલેશભાઈએ શિતલને આ બાબતે ટકોર કરતા કમલેશભાઈને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા કમલેશભાઈએ શિતલબેન સહિતનાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.