કાર્યપાલક ઇજનેર અને જુનિયર ક્લાર્ક લાંચના છટકામાં ઝડપાયા

ભ્રષ્ટાચાર ખત્મ કે શરૂ થયો છે?

કાર્યપાલક ઇજનેર અને જુનિયર ક્લાર્ક લાંચના છટકામાં ઝડપાયા

mysamachar.in-સુરેન્દ્રનગર:

રાજયમાં ભાજપના નેતાઓ અને મંત્રીઓ અને ખુદ મુખ્યમંત્રી પોતે પણ જાહેર મંચ પરથી અને અધિકારીઓની બેઠકોમાં ભ્રષ્ટાચાર ખતમ કરીને રાજયમાં પારદર્શક વહીવટના ભલે બણગાં ફૂંકે પણ એની અસરકારકતા શૂન્ય હોય તેવું એટલા માટે લાગી રહ્યું છે કે માત્ર છેલ્લા ત્રણ માસમાં જ રાજયમાં ૨૧૦ લાંચિયા બાબુઓ એ.સી.બી.ની હડફેટે ચડ્યા છે ત્યારે એવું લાગે છે કે ના માત્ર અધિકારીઓની ચેમ્બરના પ્રવેશદ્વારને પારદર્શક કરવાથી વહીવટ પારદર્શક ચાલી રહયો છે એવું જરા પણ લાગતું નથી અને ભ્રષ્ટાચારની બેટિંગ કરવામાં રાજ્યના ગૃહ વિભાગને ત્રણ માસમાં પહેલો નંબર મળ્યો છે.તેવામાં સુરેન્દ્રનગર ખાતે સરદાર સરોવર  નર્મદા નિગમના કાર્યપાલક ઈજનેર અને જુનિયર ક્લાર્ક લાંચના છટકામાં ઝડપાયાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે,

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સરદાર સરોવર નર્મદા નિગમ,સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ,૨/૧ ડીવીઝનના કાર્યપાલક ઇજનેર મહેશ ધનજીભાઇ પટેલ અને જુનિયર ક્લાર્ક પ્રતિક જગુભાઈ રાઠવા દ્વારા આ જ કચેરીના નિવૃત હેડ ક્લાર્કની નિવૃતિ પછીના સાતમા પગારપાંચ મુજબના પેન્શન તથા હક્ક રજાના પુરવણી બીલો માટે લાંચ માંગી હતી,જે અન્વયે અગાઉ ૩ હજાર આપી દીધા બાદ પણ વધુ ૨ હજારની માંગણી કાર્યપાલક ઇજનેરે કરી હતી અને પોતાના હક્ક-હિસ્સા માટે કચેરીના ધક્કા ખાતા નિવૃત હેડ ક્લાર્કને રૂબરૂ બોલાવી તથા ફોન પર વાત કરીને જુનિયર ક્લાર્ક પ્રતિક રાઠવાને મળીને તેઓ કહે તે પ્રમાણે વહેવાર પેટે પૈસા આપી દેવાનું કાર્યપાલક ઈજનેરે કહ્યુ હતુ, 

પરંતુ નિવૃત હેડ ક્લાર્ક દ્વારા વધુ લાંચની રકમ આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કરીને લાંચનું છટકું ગોઠવ્યું હતું અને જુનિયર ક્લાર્ક પ્રતિક રાઠવા,સુરેન્દ્રનગર પતરાવાળી હોટલ નજીક મેળાના મેદાનની પાછળ આવીને નિવૃત હેડ ક્લાર્ક પાસેથી લાંચની રકમ સ્વીકારતા એ.સી.બીએ રંગે હાથ ઝડપી લીધો હતો,

આમ કાર્યપાલક ઇજનેર મહેશ પટેલ સાથે વાત કરીને જુનિયર ક્લાર્ક પ્રતિક રાઠવાએ લાંચની રકમ સ્વીકારતા રાજકોટ એ.સી.બી.ની ટીમ દ્વારા બંને લાંચિયા આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.