અહી બનતો હતો અંગ્રેજી શરાબ, પીવાથી શરીરમાં થાય છે ગંભીર નુકશાન

પોલીસ પેટ્રોલીંગમાં હતી અને બાતમી મળી તો બંગલામાં ચાલતું હતું રેકેટ

અહી બનતો હતો અંગ્રેજી શરાબ, પીવાથી શરીરમાં થાય છે ગંભીર નુકશાન

Mysamachar.in:સુરત

જો તમે દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ પી રહ્યા છો, તો તમારા સ્વાસ્થ્યની ચિંતા પહેલા કરજો કારણ કે વધુ એક વખત સામે આવ્યું છે કે ગુજરાતમાં નકલી દારુ બનાવનાર પણ પડ્યા છે અને તેવો નકલી અંગ્રેજી શરાબ બનાવી અને બજારમાં વેચાણ માટે મુકે છે, જેને કેટલાય પ્યાસીઓ ગટગટાવે છે અને પોતાના શરીરને નુકશાન પહોચાડે છે, આવો જ એક નકલી શરાબના વેપલાનો પર્દાફાશ સુરતમાં પોલીસે કર્યો છે, અને બે ઈસમોને ઝડપી પાડ્યા છે. આ અંગેની મળતી વિગતો એવી છે કે સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં માનવ જિંદગી જોખમાઈ જાય તેવા કેમિકલ મિશ્રિત બનાવટી ઈંગ્લીશ દારૂ બનાવવાની મિની ફેક્ટરી ઝડપાઈ છે. સુરત પીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે ઇચ્છાપોર ગામ ડાયમંડ નગર કો.ઓ. હાઉસિંગ સોસામાં આવેલા એક બંગલામાં બે ઈસમો દ્વારા બનાવટી ઈંગ્લીશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી ચલાવવામાં આવે છે.

માહિતીના આધારે પીસીબી પોલીસની ટીમે ત્યાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી ઈંગ્લીશ દારૂની ખાલી બોટલમાં કેમિકલયુક્ત દારૂ ભરતા બે ઇસમોને રંગેહાથ ઝડપી લીધા હતા .પોલીસે સ્થળ પરથી  કલ્પેશ સામરિયા તથા દુર્ગાશંકર ખટીકની ધરપકડ કરી હતી. આ ઉપરાંત ત્યાંથી દારૂની ખાલી અને ભરેલી બોટલો, 4 મોબાઈલ, પ્લાસ્ટિકના કેરબા, ઢાંકણ, સ્ટીકર, બાટલીને બુચ મારવાનું હેન્ડ મેકર પ્રેશર મશીન, એક ફોર વ્હીલ જપ્ત કરી હતી. આ ઉપરાંત આરોપીની પૂછપરછમાં આ સિવાય બનાવટી ઇગ્લીંશ દારૂ બનાવવાનું કેમિકલ્સ અઠવાગેટ સર્કલ પાસે આવેલા પેરેડાઈઝ એપાર્ટમેન્ટની દુકાન નં.08 માં સંતાડી રાખ્યું હોવાનું જણાવતા ત્યાં પણ પોલીસે રેડ કરી હતી અને ત્યાંથી 5.25 લાખની કિમતનું બનાવટી દારૂ બનાવવાનું આલ્કોહોલ કેમિકલ 1050 લીટર તેમજ દારૂની બોટલના રીંગ સાથે બુચ વગેરે મળી કુલ 9.28 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસ પૂછપરછ દરમીયાન જાણવા મળ્યું હતું કે, આરોપી કલ્પેશભાઈ  સામરીયા અગાઉ રાજસ્થાન તથા દમણ ખાતેથી દારૂની હેરાફેરી કરતો હતો. પરંતુ પોલીસ દ્વારા તેને ત્રણેક વખત દારૂ સાથે ઝડપી પાડી તેની ઉપર કેસ કર્યો હતો. જેથી તેણે રાજસ્થાન ખાતે જઈ તેના મિત્રો પાસેથી જાતે જ દારૂ બનાવવાનું શીખી લીધુ હતું. તેના બાદ સુરત ખાતે આવી પોશ વિસ્તારમાં બંગલો ઉંચા ભાવે ભાડેથી રાખી બનાવટી દારૂ બનાવવા અંગેનું કેમિકલ્સ, આલ્કોહોલ એસેન્સ, બુચ, સ્ટીકર વિગેરે ચીજવસ્તુઓ રાજસ્થાન ખાતે રહેતા વોન્ટેડ આરોપી પાસેથી મંગાવી ઈચ્છાપોર સ્થિત બંગલામાં મીની ફેક્ટરી ઉભી કરી કેમિકલ્સ મિશ્રિત બનાવટી ઈંગ્લીશ દારૂ બનાવી વેચાણ કરતા હતા.