Mysamachar.in-વડોદરા
ક્યારેક સરકારી વિભાગો દ્વારા થતી કાર્યવાહી આશ્ચર્ય પમાડે તેવી હોય છે, થોડા સમય પૂર્વે એક સાઈકલ ચાલકને પોલીસ દ્વારા આપવામાં આવેલ દંડની પાવતી ભારે ચર્ચાનું કેન્દ્ર બની હતી ત્યાં જ આવો અન્ય એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે જે ભારે આશ્ચર્ય પમાડે તેવો એટલા માટે છે કે જે ગાડીનો ચાર વર્ષથી ઉપયોગ જ નથી થયો તેણે ઈ મેમો મળતા આશ્ચર્ય ફેલાયું છે, વડોદરામાં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરનારાઓને ઇ-મેમો આપવામાં આવે છે, પરંતુ ઇ-મેમો મોકલવાની કામગીરીમાં અવારનવાર છબરડા થતા હોય છે, ત્યારે વધુ એક છબરડો સામે આવતા જોવા જેવી થઇ છે,
વડોદરામાં સિટી સર્વેલન્સ એન્ડ ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત છે. વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા શહેરમાં દરેક સર્કલ પર CCTV લગાડવામાં આવ્યા છે અને કેમેરા દ્વારા ટ્રાફિકનું નિયમન કરવાની સાથે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરે તેને દંડ ફટકારવામાં આવે છે. જોકે, ટેક્નોલોજી દ્વારા સંચાલિત સિસ્ટમ થકી કેટલીક વખત ખોટી રીતે ઇ-મેમો મોકલવામાં આવ્યા હોવાના કિસ્સાઓ પણ અગાઉ પ્રકાશમાં આવી ચુક્યા છે. જેમાં વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. જેમાં 4 વર્ષથી ગેરેજમાં પડી રહેલી એક્ટિવાનો ઇ-મેમો મોકલી આપવામાં આવ્યો છે. જેમાં ચાલુ ચાલુ એક્ટિવામાં મોબાઇલ પર વાત કરવા બદલ ઇ-મેમો આપવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વડોદરા શહેરના વાઘોડિયો રોડ પર રહેતા 32 વર્ષીય સંદીપ પંચાલ નું ટૂ-વ્હીલર છેલ્લા 4 વર્ષથી વગર ટાયરે ગેરેજમાં ખખડધજ હાલતમાં પડ્યુ છે. અને તે તેમના પિતાને નામ એક્ટીવા છે, તે એક્ટિવાનો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મેમો મળતા ખુદ તેવો પણ ચોકી ઉઠ્યા હતા.ત્યારે આ વિષય ચર્ચાનો એટલે બન્યો છે કે જે વાહન વર્ષોથી રસ્તા પર નીકળ્યું જ નથી તો તેનો ઈ મેમો કેવો..?