મુખ્યમંત્રીના હસ્તે જામનગરની નવી R.T.O   કચેરીનું ઈ-લોકાર્પણ

રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમે કચેરીની વ્યવસ્થાઓ નિહાળી

મુખ્યમંત્રીના હસ્તે જામનગરની નવી R.T.O   કચેરીનું ઈ-લોકાર્પણ

Mysamachar.in-જામનગર:

વાહન વ્યવહાર વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા નવનિર્મિત રાજ્યના 4 એસ.ટી બસ સ્ટેશનો, 2 ડેપો/વર્કશોપ તથા 1 સ્ટાફ કોલોની અને 5 સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીઓનો ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નવનિર્મિત પ્રકલ્પોનું ઈ- લોકાર્પણ કર્યું હતું. જામનગરની નવનિર્મિત આરટીઓ કચેરી જે નાઘેડી નજીક બની છે તેનું મુખ્યમંત્રીના હસ્તે ડિજીટલ માધ્યમ દ્વારા લોકાર્પણ કરાયું હતું. રૂ. 626.70 લાખના ખર્ચે તૈયાર થયેલ  નવા  આરટીઓ કચેરીના લોકાર્પણ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ પૂનમબેન માડમએ પ્રેરક ઉપસ્થિતિ આપી હતી અને સમગ્ર કચેરીની વ્યવસ્થાઓ નિહાળી હતી. 

આ કચેરી ખાતે  જનસેવા કેન્દ્ર, સ્ટાફરૂમ, સારથી, સ્માર્ટકાર્ડ રૂમ, ક્લાર્ક રૂમ, રેકોર્ડ રૂમ,  ઈલેક્ટ્રિક રૂમ, સર્વર રૂમ, સ્માર્ટ ઓપ્ટીકલ કાર્ડ રૂમ તથા એ.આર.ટી.ઓ, આર.ટી.ઓ, મામલતદાર, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર મોટર વ્હીકલ વગેરે ઓફિસરની ચેમ્બર તથા અન્ય સુવિધાઓનું નિર્માણ કરવામાં આવેલ છે.  આર.ટી.ઓ ખાતે ટુ-વ્હીલર, ફોર-વ્હિલર માટેનો ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક વીથ વ્યુ ટાવર  સાથે નિર્માણ પામેલ છે.  એચ.એસ.આર.પી રૂમ તથા સી.સી રોડ વીથ પેવર બ્લોક ફૂટપાથ, વિશાળ પાર્કિંગ તથા કેમ્પસ ડેવલપમેન્ટ સાથે  ભુકંપ પ્રતિરોધક નિર્માણ પામેલ આ બિલ્ડિંગ  જામનગરના એરપોર્ટ તરફ  નાઘેડી વિસ્તારમાં  બનાવવામાં આવી છે.

આ તકે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારની સામાન્ય લોકો માટેના પરિવહનની સુવિધાઓને વધુ આધુનિક અને આધુનિકતા સાથે નવીનતમ ટેક્નોલોજી અને વધુ ગુણવત્તાસભર બનાવવાની નેમ છે ગુજરાતના નવા બસસ્ટેશન એરપોર્ટની જેવા જ આધુનિક બસપોર્ટ બને તેવો રાજ્ય સરકારે પ્રયત્ન કર્યો છે અને જેમાં સફળતા મળી છે. હાલમાં કોરોના કાળમાં પણ એસ.ટી.એ અનેક સુવિધાઓ જેવી કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા પડોશી રાજ્યોમાં શ્રમિકોને તેમના વતન પહોંચાડવા તો શ્રમિક પેસેન્જર ટ્રેન સમયે એસ.ટી.ની બસો દ્વારા શ્રમિકોને પોતાના ઘરેથી સ્ટેશન સુધી પહોંચાડવા વગેરે જેવી કામગીરીઓ એસ.ટી.ના કર્મચારીઓ દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવી છે. આજે નવનિર્માણ પામેલા પ્રકલ્પો ફિઝીકલી નહીં પણ ડિજિટલી સાથે રહી અને લોકોના માટે, લોકોને વધુ તકલીફ ના રહે તે માટે લોકાર્પિત કરવામાં આવી રહ્યા છે. એસ.ટી.નો ઉદ્દેશ માત્ર સેવાનો છે નફાનો નહીં તેમ જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતના બસ પોર્ટ તો આધુનિક બની રહ્યા છે સાથે જ 1000  જેટલી નવી બસો પણ ઉમેરવામાં આવેલી છે અને તેમાં ઇ-બસ એટલે કે જેના થકી પર્યાવરણની રક્ષા કરી શકાય તે પ્રકારની બસના સફળ પ્રયોગને પણ ગુજરાતના એસ.ટી નિગમ દ્વારા કરવામાં આવ્યો છે.

તો વાહન વ્યવહારમંત્રી આર.સી.ફળદુએ કહ્યું હતું કે, રાજ્યના સામાન્ય માનવીને વાહન વ્યવહાર વિભાગની સેવાઓ અર્પિત કરવા આજે ટેકનોલોજીના યુગમાં ઇ-પદ્ધતિથી આ લોકાર્પણ કરવામાં આવ્યું છે સાથે જ આર.ટી.ઓ.ની અનેક કામગીરીને ટૅક્નોલૉજીના માધ્યમ દ્વારા ડિજીટલ પ્લેટફોર્મ પર લઈ જવામાં આવી છે જેનાથી આર.ટી.ઓનું લોકોનું ઘણું કામ પોતાના સ્થળ પરથી થઇ શકે છે આ સેવાઓ થકી લોકોને વધુ સુવિધા પ્રાપ્ત થશે. આ પ્રસંગે કલેકટર રવિશંકર, પોલીસ અધીક્ષક શરદ સિંઘલ, અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, આરટીઓ અધિકારી જયમીન ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા.