Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
હમણાં હમણા છેલ્લા કેટલાક દિવસોમાં હાલારના બન્ને જીલ્લામાં ઉપરા છાપરી પોલીસકર્મીઓની સાથે અયોગ્ય વર્તન અને હુમલાના બનાવોની સંખ્યા સતત વધી રહી છે, તેમાં વધુ એક ઘટના સામે આવી છે, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક પોલીસકર્મીએ રેતી ભરીને જતા એક ટ્રેક્ટરના અટકાવતા આ બાબતને લઈને એકઠા થયેલા 4 શખ્સોએ આ પોલીસ કોન્સ્ટેબલનો કાંઠલો પકડી, ફડાકા ઝીંકી અને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાઈ છે,
આ સમગ્ર બનાવ પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકા પોલીસ મથકના કોન્સ્ટેબલ મશરીભાઈ કાનાભાઈ છૂછર ગઈકાલે સોમવારે તેમની ફરજ પર હતા ત્યારે દ્વારકાથી આશરે આઠ કિલોમીટર દૂર બરડીયા ગામની સીમ વિસ્તારમાં દરિયાકિનારા પાસેથી પસાર થતા રેતી ભરેલા એક ટ્રેક્ટરને તેમણે અટકાવ્યું હતું.
આ સ્થળે પોલીસ કર્મચારી કંઈ કાર્યવાહી કરે તે પહેલા આ ટ્રેક્ટરના ચાલકે ટ્રેકટરમાં રહેલી રેતી એક વાડી પાસે ખાલી કરી નાખી હતી. આટલું જ નહીં, બરડીયા ગામના રામભા પબાભા નયાણી (ઉ.વ. 20), મેરુભા દેવુભા કારા (ઉ.વ. 33), સાજણભા દેવુભા કારા (ઉ.વ. 36) અને દેવુભા જીવણભા કારા નામના ચાર શખ્સો આ સ્થળે ધસી આવ્યા હતા અને પોલીસ કર્મચારી દ્વારા ટ્રેક્ટરને અટકાવાતા આ શખ્સોને સારું ન લાગતાં આરોપી રામભા પબાભાએ પોલીસ કર્મચારીનો કાંઠલો પકડી લઈ અને ગાલ ઉપર ફડાકા ઝીંકી દીધા હતા. આટલું જ નહીં, આરોપી શખ્સોએ ફરિયાદી પોલીસ કોન્સ્ટેબલને હવે પછી જો બરડીયા વિસ્તારમાં આવશે તો તેમને જાનથી મારી નાખીશું અથવા ટ્રેક્ટર માથેથી ફેરવી દેવાની ધમકી આપી અને ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આમ, રેતી અંગે ટ્રેક્ટરને અટકાવાતાં પોલીસ કોન્સ્ટેબલને ફડાકા ઝીંકી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફરજમાં રૂકાવટ કરવા સબબ દ્વારકા પોલીસે ચારેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 332, 506 (2), તથા 114 મુજબ ગુનો નોંધી અને આરોપી રામભા પબાભા, મેરૂભા દેવુભા અને સાજણભા દેવુભાની અટકાયત કરી હતી. આ અંગે આગળની તપાસ દ્વારકાના પી.આઈ. પી.બી. ગઢવી ચલાવી રહ્યા છે.