Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
ખંભાળિયા તાલુકાના માંઢા ગામ નજીક એસટી બસમાંથી બે દિવસ પૂર્વે એક યુવાનના ખિસ્સામાંથી નજર ચૂકવીને રૂ. નવ હજારની રોકડ રકમ ચોરી થયાનો બનાવ સ્થાનિક પોલીસ દફતરે નોંધાયો હતો. જે બાદ LCB પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સધન ઝુંબેશમાં LCB પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગ દરમ્યાન મળેલી ચોક્કસ બાતમીના આધારે આ પ્રકરણમાં સંડોવાયેલા રાજકોટમાં સીતારામ સોસાયટી ખાતે રહેતા સંજય ઉર્ફે ગીડો બટુકભાઈ દેત્રોજા નામના શખ્સને દબોચી લીધો હતો. ઝડપાયેલા આ શખ્સ પાસેથી ચોરીના રૂપિયા નવ હજાર પણ પોલીસે કબજે કર્યા હતા.
LCB પોલીસની પૂછપરછમાં પોપટ બનેલા સંજય ઉર્ફે ગીડો દેત્રોજાએ જામનગર, મોરબી, વાંકાનેર, ગોંડલ, પોરબંદર, સહિતના જુદા-જુદા સ્થળોએ મંદિર, બસ સ્ટેન્ડ, તેમજ જુદી-જુદી ભીડભાડવાળી જગ્યાએ ભીડનો ગેરલાભ લઈ, 49 સ્થળોએ પીક પોકેટિંગ કર્યુ હોવાનું કબૂલ્યું હતું. આથી પોલીસે તેની અટકાયત કરી વધુ, તપાસ અર્થે તેનો કબ્જો વાડીનાર મરીન પોલીસને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી LCBના પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ સજુભા જાડેજા, કેસુરભાઈ ભાટિયા, નરસીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, મશરીભાઈ આહીર, ભરતભાઇ ચાવડા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દ્વારા કરવામાં આવી હતી.