દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની એક માત્ર પોસ્ટ ઓફિસ કથળેલા વહીવટના પગલે ખાડે: લોકોમાં રોષ

અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો પોસ્ટલ ઓથોરિટીનો વહીવટ 

દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની એક માત્ર પોસ્ટ ઓફિસ કથળેલા વહીવટના પગલે ખાડે: લોકોમાં રોષ
symbolic image

My samachar.in : દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આવેલી પોસ્ટ કચેરી છેલ્લા આશરે બે વર્ષથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે. જેમાં સ્ટાફની ઘટ એ મુખ્ય સમસ્યા છે. આ પ્રશ્નના કારણે બીજી અનેક સમસ્યાએ જન્મ લીધો છે.ખંભાળિયાની પોસ્ટ ઓફિસને આજની થોડા વર્ષ પૂર્વે હેડમાંથી એમ.ડી.જી. કક્ષાની જાહેર કરવામાં આવી છે. ત્યારથી જ જાણે આ કચેરીની માઠી દશા બેઠી હોય, તેમ જેમ-જેમ દિવસો જતા જાય અને વસ્તી વધતી જાય, તેમ-તેમ કામ વધતું જાય. તેની સાથે અનેક સરકારી યોજનાઓ જેમ કે વિધવા નિરાધાર પેન્શન યોજના, આધાર કાર્ડ, સ્પીડ પોસ્ટ, જેવી અનેક સેવાઓ હાલ વધી છે. તેની સામે સ્ટાફ ઘટતો જાય છે..!!!

ખંભાળિયાની પોસ્ટ ઓફિસની બચત શાખામાં ત્રણ ક્લાર્ક, એક આસિસ્ટન્ટ પોસ્ટમાસ્ટર અને એક ગ્રુપ-ડી ની જરૂરિયાત છે. તેની સામે હાલ માત્ર એક ક્લાર્ક, એક ગ્રુપ-ડી અને એક આસિસ્ટન્ટ પોસ્ટમાસ્તર છે. એટલે જો એક માણસ ત્રણ ગણું કામ કરે તો કદાચ બધાનું કામ સમયસર થઈ શકે, અન્યથા અડધાથી વધુ લોકો કામ થયા વગર પાછા જાય... વહીવટી કુશળતાનો ઉત્તમ નમૂનો કહો કે ગમે તે,  વારંવારની ફરિયાદ બાદ રાવલથી એક કર્મચારી અહીં આવ્યા અને એ પણ એક ટ્રેનિંગ વાળા... સામે તેમના બદલામાં અહીંથી એક સ્ટાફને અલિયાબાડા મોકલી દેવામાં આવ્યો!!! એટલે ખંભાળિયા પોસ્ટ ઓફિસ પાછી હતી ત્યાં ને ત્યાં જ.

આ સિવાય એક માણસ રજીસ્ટર અને સ્પીડ પોસ્ટ માટે, એક ડિસ્પેચ ક્લાર્ક માટેની પણ જરૂરિયાત અલગથી ખરી. આ પ્રશ્નો અંગે અવાર નવાર સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત પછી પણ જાણે કુંભકર્ણ નિંદ્રામાં વહીવટીતંત્ર હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. આશરે બે વર્ષ અગાઉ સાંસદને રજૂઆત પછી તેઓએ તાત્કાલિક સત્તાવાળાને તાકીદ કરતા થોડા દિવસો સુધી વહીવટ સુધર્યો. પણ ત્યાર પછી હાલ પરિસ્થિતિ જાણે જૈસે થે...

જિલ્લાના મુખ્ય મથકમાં અને કરોડો રૂપિયાનો વહીવટ ધરાવતી આ મહત્વની પોસ્ટ કચેરી શહેરની મધ્યમાં અને ગલી-ગૂંચી જેવા ગીચ વિસ્તારમાં આવેલી હોય, હાલ અમલદારશાહીનો કડવો અનુભવ પ્રજાને થઈ રહ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળે છે. આ મહત્ત્વના સરકારી પોસ્ટ વિભાગ જે નાનાથી કરીને મોટા વર્ગની કામગીરી માટે મહત્વનો છે, તે પોસ્ટ તંત્રને કનડતા સ્ટાફ સહિતના પ્રશ્ને તાકીદે નિરાકરણ આવે તેમ સુજ્ઞ નગરજનો ઇચ્છી રહ્યા છે.