ચૂંટણી પ્રચાર દરમિયાન, કરોડોનાં ખર્ચે નેતાઓ ' હવામાં ઉડશે ' !
કોણે કેટલાં વિમાનો અને હેલિકોપ્ટરો બુક કર્યા ? : વાંચો

Mysamachar.in-ગુજરાત:
હવામાં “ઉડવા” ની ઘણાંને કુટેવ હોય છે અને ' હવામાં ઉડવા'ની ઘણાં લોકોને જરૂરિયાત હોય છે. ચૂંટણીપ્રચાર દરમિયાન ઘણાં નેતાઓ, ખાસ કરીને સ્ટાર પ્રચારકો ' હવામાં ઉડવા'ની મોજ માણતાં હોય છે અને ઘણાં નેતાઓ માટે આ ફરજિયાત હોય છે, કેમ કે ઓછાં સમયમાં વધુને વધુ મતદારો સુધી તેઓને પહોંચવાનું હોય છે. નેતાઓનાં વિમાનો અને હેલિકોપ્ટરો પાછળ ચૂંટણી પ્રચાર દરમિયાન કરોડો રૂપિયાનો ખર્ચ થશે ! જેને મતદારોની ભાષામાં ' ધૂમાડો ' લેખવામાં આવે છે !
એક રિપોર્ટ જણાવે છે કે, વિધાનસભા ચૂંટણી માટે ભાજપા, કોન્ગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતનાં રાજકીય પક્ષો અને કેટલાંક નેતાઓ સાદાં વિમાનો અને ચાર્ટર્ડ વિમાનો ઉપરાંત લકઝૂરિયસ હેલિકોપ્ટરો ભાડે મેળવી ચુક્યા છે. ઘણી કંપનીઓ સાથે કરાર થયાં છે. એડવાન્સ ચૂકવણા પણ થયાં છે. અને, સંખ્યાબંધ વિમાનો અને હેલિકોપ્ટરોને નેતાઓની સેવાઓમાં ગોઠવી દેવામાં આવ્યા છે ! રાજકીય પાર્ટીઓએ વિમાનો અને હેલિકોપ્ટરો બુક કરી લેતાં જે લોકો વિમાનો અને હેલિકોપ્ટરો બુક કરવા ઇચ્છે છે તેઓ વિમાનો અને હેલિકોપ્ટરોની અછત અને ભાડાવધારો અનુભવી રહ્યા છે ! તેઓએ પ્રતિ કલાક રૂ. 25-50 હજારનો ભાડામાં વધારો સહન કરવો પડી રહ્યો છે !
રાજકીય પક્ષોએ 9 ચાર્ટર્ડ જેટ સહિતના વિમાનો, ડબલ એન્જિન ધરાવતાં અગસ્તા સહિતના સાદાં અને લકઝૂરિયસ હેલિકોપ્ટરો 25 દિવસો માટે બુક કર્યાની વિગતો બહાર આવી છે. મોટાભાગના વિમાનો અને હેલિકોપ્ટરો અમદાવાદ, મુંબઈ અને દિલ્હીથી મંગાવવામાં આવ્યા છે. વિવિધ રાજકીય પક્ષોએ ચાર્ટર્ડ જેટ વિમાનો પ્રતિ કલાક રૂ. 2 થી 4 લાખનાં ભાડાથી, ટર્બોક્રોપ વિમાનો પ્રતિ કલાક રૂ. 1.40 લાખનાં ભાડાથી તથા અગસ્તા સહિતના લકઝૂરિયસ હેલિકોપ્ટરો પ્રતિ કલાક રૂ. 3-3.75 લાખ પ્રતિ કલાકનાં ભાડાથી બુક કર્યા છે ! ચૂંટણીમાં હવાઈ પ્રચાર પાછળ અંદાજે કુલ રૂ. 100-110 કરોડ કરોડનો ખર્ચ થશે.
2017ની ચૂંટણીમાં ભાજપાએ બે હેલિકોપ્ટર અને બે ચાર્ટર્ડ વિમાન બુક કર્યા હતા. આ ચૂંટણીમાં 4 હેલિકોપ્ટરો અને 3 ચાર્ટર્ડ વિમાન બુક કર્યા છે. પક્ષોએ કેટલીક ચાર્ટર્ડ કંપનીઓ સાથે ઓપન કોન્ટ્રાક્ટ કર્યા છે. અમદાવાદ અને દિલ્હીમાં એરપોર્ટ પર આ પ્રકારના હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ વિમાનોનું આવાગમન ચાલુ છે. કોન્ગ્રેસ દ્વારા એક હેલિકોપ્ટર અને એક ચાર્ટર્ડ વિમાન બુક કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી ઘણાં દિવસોથી ચાર્ટર્ડ વિમાનનો ઉપયોગ દિલ્હી-ગુજરાત વચ્ચે અવરજવર માટે કરે છે.
આ પ્રકારના બુકિંગ કરતી એજન્સીઓ 18 ટકા GST, એરપોર્ટ ચાર્જ, ATC, વિમાન તથા હેલિકોપ્ટરનાં કેપ્ટન અને પાયલોટો માટે લકઝૂરિયસ હોટેલ એકોમોડેશન અને ભોજનખર્ચ વગેરે ભાડાં ઉપરાંત અલગથી વસૂલતી હોય છે. એરપોર્ટ પર આ પ્રકારની એક ફ્લાઈટનો એરપોર્ટ હેન્ડલિંગ ખર્ચ રૂ. 30,000 આસપાસ વસૂલવામાં આવતો હોય છે. " હવામાં ઉડવા'ની કિંમત આપણે સૌ જાણીએ છીએ, આકરી ચૂકવવી પડતી હોય છે.