ડુપ્લીકેટ RTPCR રીપોર્ટ, 350માં નેગેટિવ અને 800માં પોઝિટિવ, ક્રાઈમબ્રાંચે ડમી ગ્રાહક મોકલ્યો અને...

પોતે સફળ રહ્યા બાદ ધંધો શરુ કર્યો

ડુપ્લીકેટ RTPCR રીપોર્ટ, 350માં નેગેટિવ અને 800માં પોઝિટિવ, ક્રાઈમબ્રાંચે ડમી ગ્રાહક મોકલ્યો અને...
symbolic image

Mysamachar.in-વડોદરા

કોરોનાની મહામારીમાં દર્દીઓ અને તેના સબંધીઓ કેટલીય વેદનાઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે આવા સમયમાં પણ કેટલાક લેભાગુઓએ કમાવવાની તક શોધી લીધી હોય પણ આવા તત્વો વહેલા કે મોડા પોલીસને હાથ લાગી જ જતા હોય છે, ડુપ્લિકેટ RT-PCR રિપોર્ટ વેચવાના ચાલી રહેલા કૌભાંડનો વડોદરા ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. રાજ્ય બહાર જવા, કંપનીઓમાં રજા મેળવવા અને કંપનીઓમાં પગાર લેવા ઉપરાંત વધારાનો આર્થિક લાભ લેવા તેમજ મેડિક્લેમ સહિત વિવિધ ઉપયોગ માટે પોઝિટિવ અને નેગેટિવ ડુપ્લિકેટ રિપોર્ટ બનાવીને ભેજાબાજ ટ્રાવેલ્સ સંચાલકની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરાના વારસીયા વિસ્તારમાં પટેલ પાર્કની બાજુમાં આવેલ 10, હરીક્રિષ્ણા સોસાયટીમાં રાકેશ ભગવાનદાસ મીરચંદાની રહે છે અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરે છે. કોરોનાની મહામારીમાં રાજ્ય બહાર જવા માટે નેગેટિવ RT-PCR રિપોર્ટની જરૂર પડે છે. જેથી તેણે રાજ્ય બહાર જવા માટે પોતાના લેપટોપ ઉપર પી.ડી.એફ. એડિટર નામની વેબસાઇટનો ઉપયોગ કરીને પ્રથમ પોતાનો RT-PCR રિપોર્ટ નેગેટિવ બનાવ્યો હતો અને તે બનાવટી રિપોર્ટ લઇને રાજ્ય બહાર જઇને પરત વડોદરામાં આવવામાં સફળ રહ્યો હતો.

RT-PCR રિપોર્ટ બનાવીને રાજ્ય બહાર જઇ આવવામાં રાકેશ મીરચંદાની સફળ રહ્યા બાદ તેણે બનાવટી RT-PCR નેગેટિવ-પોઝિટિવ રિપોર્ટ બનાવીને વેચવાનો ધંધો શરૂ કરી દીધો હતો. તેવી પાથ અને ન્યુ બર્ક લેબોરેટરીના નામે બનાવટી નેગેટિવ અને પોઝિટિવ રિપોર્ટ બનાવીને આપતો હતો. નેગેટિવ રિપોર્ટના રૂપિયા 300થી રૂપિયા 350 અને પોઝિટીવ રિપોર્ટના રૂપિયા 800 રિપોર્ટ કઢાવવા માટે આવતા પાસે લેતો હતો અને રિપોર્ટનો ચાર્જ પણ ગુગલ પેથી વસુલ કરતો હતો. તેણે છેલ્લા 15 દિવસમાં 50થી વધુ નેગેટીવ-પોઝિટિવ બનાવટી RT-PCR રિપોર્ટ વેચ્યું હોવાનું તેની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે. જો કે આ મામલે ચોક્કસ માહિતી મળતા ક્રાઈમ બ્રાંચે ડમી ગ્રાહક તૈયારી કરીને બનાવટી બનાવટી RT-PCR ટેસ્ટ રિપોર્ટ વેચવાના ચાલી રહેલા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આરોપી રાકેશ મીરચંદાની અટકાયત કરીને તેની પાસેથી 4 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે.