પર્દાફાશ:માંગો તે માર્કશીટ મળે...ભાવ 15 થી 65 હજાર

ધોરણ 10 ધોરણ 12 બોર્ડ તેમજ ગ્રેજ્યુએશનની બોગસ માર્કશીટ રાજકોટ શહેરમાં લોકોને પૂરી પાડતો હતો

પર્દાફાશ:માંગો તે માર્કશીટ મળે...ભાવ 15 થી 65 હજાર
symbolic image

Mysamachar.in-રાજકોટ

રાજ્યના જુદા જુદા શહેરોમાં છાશવારે નકલી માર્કશીટના મોટા કૌભાંડો સામે આવતા રહે છે, અને કૌભાંડી તત્વો માત્ર ને માત્ર પૈસા મેળવવા માટે નકલી માર્કશીટના કૌભાંડ આચરી કેટલાયને વગર માર્કશીટ કે ડીગ્રીએ ડીગ્રી વાળા કરી દેતા હોય છે, આવું જ વધુ એક કૌભાંડ રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે, રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઉત્તર પ્રદેશની નકલી માર્કશીટનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું.

જે અંતર્ગત નકલી માર્કશીટ અપાવનાર શિક્ષક ભાવિક ખત્રી સહિત કુલ પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ભાવિક ખત્રી યુપીના રામસિંગની મદદથી ધોરણ 10 ધોરણ 12 બોર્ડ તેમજ ગ્રેજ્યુએશનની બોગસ માર્કશીટ રાજકોટ શહેરમાં લોકોને પૂરી પાડતો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી ભાવિક ખત્રીએ જણાવ્યું છે કે ધોરણ 10 અને 12 ની માર્કશીટ માટે તે 25 થી 35 હજાર રૂપિયા લેતો હતો. જ્યારે કે ગ્રેજ્યુએશનની બોગસ માર્કશીટ માટે રૂપિયા 60,000 પડાવતો હતો.

ડીસીપી મનોહરસિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તેઓએ કહ્યું કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા હાલ પાંચ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જે પાંચ આરોપીઓ પૈકી એક આરોપી જેનું નામ ભાવિક ખત્રી છે તે લોકોને બોગસ માર્કશીટ અપાવવાનું કામ કરતો હતો. જ્યારે કે અન્ય ચાર આરોપીઓએ ભાવિક ખત્રી પાસેથી ડુપ્લીકેટ માર્કશીટ ખરીદનારા છે. મીડિયા સાથેની વાતચીતમાં મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 
 
કોરોના કાળમાં પણ ઘર બેઠા ડુપ્લિકેટ માર્કશીટ પહોંચાડવાનું ગુનાહિત કૃત્ય આચરવામાં આવી રહ્યું છે. જે ગુનાહિત કૃત્યની ભાળ મેળવવા માટે અસલમ અન્સારી અને તેમની ટીમ દ્વારા પ્રથમ તો ડુપ્લીકેટ માર્કશીટ મેળવનાર વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ભાવિક ખત્રી નામનો જે શિક્ષક છે તે ધોરણ 10 ધોરણ 12 અને ગ્રેજ્યુએશનની નકલી માર્કશીટ આપે છે. જે માર્કશીટ તે 25,000 રૂપિયા 35,000 રૂપિયા તેમજ 60,000 રૂપિયામાં લોકોને વહેંચે છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ભાવિક ખત્રી છેલ્લા એક વર્ષથી ડુપ્લિકેટ માર્કશીટ વેચી રહ્યો હોવાનો સામે આવ્યું છે. ભાવિક ખત્રી દ્વારા જે ડુપ્લિકેટ માર્કશીટ આપવામાં આવી છે તે ઉત્તર પ્રદેશના મહાત્મા ગાંધી, કાશી વિદ્યાપીઠ વારાણસી અને ઉત્તર પ્રદેશ બોર્ડની આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા ઉપરોક્ત બોર્ડ તેમજ યુનિવર્સિટીના અધિકારીઓને ઈમેલ દ્વારા તેમજ પોસ્ટ મારફતે મોકલી તેની ખરાઇ કરી છે.

આરોપી ભાવિક ખત્રી પાસેથી જે પણ યુવાનોએ ડુપ્લીકેટ માર્કશીટ ખરીદી છે તે પૈકી બે યુવાનો હાલ બી.એસ.સી તેમજ બિ ફાર્મ ના બીજા વર્ષમાં અભ્યાસ પણ કરી રહ્યા છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા હાલ તો નવ જેટલા લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જે પૈકી પાંચ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ડુપ્લીકેટ માર્કશીટ કૌભાંડ ના તાર ઉત્તર પ્રદેશ સુધી જોડાયેલા છે ત્યારે ઉત્તર પ્રદેશના વતની એવા રામસિંગની શોધખોળ હાલ શરૂ છે.

-માર્કશીટનો ભાવ રૂ.15 હજારથી 60 હજાર સુધીનો

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ શિક્ષક ભાવિક ખત્રી ફિઝીકસનો શિક્ષક છે. અગાઉ તે ખાનગી શાળામાં અને પ્રાઇવેટ ટ્યુશન કલાસ ચલાવ્યા છે. હાલમાં લોકડાઉન હોઇ તે ઘરે બેસે છે. તે નાપસ થતાં કે ભણવામાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓ કે તેના વાલીઓનો સંપર્ક કરી તેને નકલી માર્કશીટ અપાવી દેતો હોવાની શકયતાને આધારે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. સુત્રધાર રામસીંગ ઝડપાયા બાદ વધુ મોટુ કૌભાંડ ખુલવાની શકયતા છે. ભાવિક રાજકોટથી ગ્રાહકો શોધતો અને રામસીંગને જાણ કરતો તેના આધારે ઓર્ડર મુજબ રામસીંગ ધોરણ-10, 12ની અને બીકોમ, બીએસસીની નકલી માર્કશીટ મોકલતો હતો. જેનો ભાવ રૂ. 15 હજારથી 60 હજાર સુધીનો હતો. બે આરોપીઓ પ્રિતેશ ભેંસદડીયાએ નકલી માર્કશીટને આધારે ઇન્દોરની સ્વામી વિવેકાનંદ યુનિવર્સિટીમાં બીએસસીસનું બીજુ વર્ષ પુરૂ કરી લીધું છે. જ્યારે વાસુ પાટોળીયાએ રાજકોટની આર. કે. કોલેજમાં બી. ફાર્મમાં બીજુ વર્ષ પુરૂ કરી લીધુ છે. કુલ કેટલી આવી નકલી માર્કશીટો વેંચી છે? બીજુ કોણ કોણ સામેલ છે? તે સહિતની તપાસ થઇ રહી છે.