Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભોગાત ગામના એક શખ્સે મોબાઈલ રીપેરીંગની દુકાનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી રહ્યાની માહિતી પરથી એલ.સી.બી.એ હાથ ધરેલા ઓપરેશનમાં ભોગાત ગામના વિજય રૂડાચ નામના શખ્સને વિવિધ પ્રકારના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવતા ડુપ્લીકેટ લાયસન્સ અને જન્મના દાખલા બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે, કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામના કોસ્ટલ હાઈવે રોડ પર વિધિ મોબાઈલ નામની એક મોબાઈલ રીપેરીંગની દુકાનમાં ડુપ્લીકેટ લાયસન્સ તથા જન્મના દાખલા બનાવવામાં આવતા હોવા અંગેની માહિતી એલ.સી.બી. સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે એલ. સી. બી. પી. આઈ. જે.એમ.ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે ભોગાત ગામની સીમમાં દ્વારકા- પોરબંદર રોડ પરની ઉપરોક્ત દુકાનમાં દરોડો પાડયો હતો.
દુકાનમાં પોલીસ દ્વારા પાડવામાં આવેલ દરોદમાં વિજય સાંજાભાઈ રૂડાચ નામનો શખ્સ ભાડાની આ દુકાનમાં લોકો પાસેથી વિવિધ પ્રકારના આધાર પુરાવાઓ લઈ, બનાવટી પ્રમાણપત્રો તથા ડુપ્લીકેટ લાયસન્સ બનાવવાની પ્રવૃત્તિ કરતો હોવાનો હોવાનું જાહેર થયું છે. પોલીસે આરોપી વિજય ગઢવીની ધોરણસર અટકાયત કરી હતી.આટલું જ નહીં, ઉપરોક્ત આરોપી પાસેથી પોલીસે 7 ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાયસન્સ, નંગ ડુપ્લીકેટ જન્મના પ્રમાણપત્ર તથા તેને સંલગ્ન ત્રણ ફોટાઓ, લેમિનેશન પેપરનો એક બંચ, તથા કોરા કાગળ, સ્ટેપ્લર, પર જુદા જુદા વ્યક્તિઓના આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ, બિલ બુક, સ્ટેમ્પ પેડ, કેમેરા, પેન ડ્રાઈવ, ઉપરાંત કોમ્પ્યુટર સિસ્ટમ અને હાર્ડ ડિસ્ક તથા સ્કેનર કમ કલર પ્રિન્ટર અને એક મોબાઇલ ફોન પોલીસે આ ગુના સંદર્ભે કબ્જે કર્યા છે.
પોલીસની પૂછપરછમાં આરોપી વિજય રૂડાચ દ્વારા મોબાઈલ રીપેરીંગના કામ સાથે કોમ્પ્યુટર ઓનલાઈન ફોર્મ, સરકારની વિવિધ યોજના ફોર્મ, તેમજ ઝેરોક્ષ નકલના ધંધા મારફતે લોકોને વિશ્વાસમાં લઈને તેઓના લાયસન્સ કઢાવવા માટે પરીક્ષા વિના અને સરકારી ધક્કા ખાધા વગર જન્મના પ્રમાણપત્રો કઢાવી આપવા સાથે લોકો પાસેથી આ માટે મોટી રકમ પડાવીને જાતે જ સહી સિક્કા કરી, ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાયસન્સ અને જન્મના પ્રમાણપત્ર બનાવવામાં આવતા હોવાનું વધુમાં ખુલવા પામ્યું છે.
પોલીસની તપાસમાં આરોપી વિજયના કોમ્પ્યુટર તથા પેન ડ્રાઈવમાંથી મોટી સંખ્યામાં લોકોના ડ્રાઈવિંગ લાયસન્સ અને જન્મના દાખલા બનાવવામાં આવ્યા હોવાના પુરાવાઓ પણ પોલીસે કબ્જે લીધા છે. આ પ્રકરણમાં એલ. સી. બી. પોલીસ હેડ કોસ્ટેબલ અરજણભાઈ મારુએ કલ્યાણપુર પોલીસમાં આઈ. પી. સી. કલમ 406, 420, 465, 467, 468, તથા 471 મુજબ ધોરણસર ફરિયાદ નોંધાવી, રૂપિયા 29,310/- નો મુદ્દામાલ કબ્જે કરીને આરોપી વિજય રુડાચની અટકાયત હતી. આ શખ્સને આગળની તપાસ માટે કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવ્યો છે. જેની તપાસ પી. એસ. આઈ. કે. એન. ઠાકરીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહી એલસીબી.પી.આઈ. જે. એમ. ચાવડા, પી. એસ. આઈ. વી. એમ. ઝાલા, એ.એસ.આઈ. અરવિંદભાઈ નકુમ, રામશીભાઈ ભોચીયા, અજીતભાઈ બારોટ, સજુભા જાડેજા, કેશુભાઈ ભાટિયા, દેવશીભાઈ ગોજીયા, નરસીભાઈ સોનગરા, મશરીભાઈ આહિર, ભરતભાઈ ચાવડા, અરજણભાઈ મારુ, તથા વિશ્વદિપસિંહ દ્વારા કરવામાં આવી હતી.
–છેલ્લા દોઢ વર્ષ થી ચાલતું હતું અને 300 થી 500 વસુલવામાં આવતા હતા
આજે જે કૌભાંડનો એલસીબી ટીમે પર્દાફાશ કર્યો તે કૌભાંડ છેલ્લા દોઢેક વર્ષથી ચાલતું હતું અને આરોપી 300 થી 500 રૂપિયા જેવા ઘરાક તેવાઉઘરાણા કરી અને લાયસન્સ કાઢી આપવામાં આવતું હોવાનું પોલીસે જણાવ્યું છે.