ધ્રોલ-જોડીયામાં ઓવરલોડ રેતીભરીને દોડતા ડમ્પરો તંત્રને શા માટે નથી દેખાતા?

કરોડો રૂપિયાના બનાવેલા રસ્તાઑ તોડી નાખ્યા

ધ્રોલ-જોડીયામાં ઓવરલોડ રેતીભરીને દોડતા ડમ્પરો તંત્રને શા માટે નથી દેખાતા?
ફાઇલ તસ્વીર

Mysamachar.in-જામનગર:

પોલીસ છાશવારે વાહન ચાલકોને મેમો પકડાવીને તેમજ વાહનો ડીટેઇન કરવાની કાર્યવાહી કરીને કામગીરી દેખાડતી હોય છે,પરંતુ ધ્રોલ-જોડિયામાં બેફામ ગતિથી દોડતા રેતી ભરેલા ઓવરલોડ ડમ્પરો કાયદાના ખુલ્લેઆમ ભંગ કરીને મજાક ઉડાડી રહ્યા છે તે સ્થાનિક લગત તંત્રને કેમ દેખાતા નથી,તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે,

ધ્રોલ-જોડિયામાં રેતીની ખનીજ ચોરી મામલે ખાણ ખનીજ વિભાગની ભૂંડી ભુમિકા વારંવાર સામે આવી રહી છે અને સરકારના આ બાબુઓ સરકાર સાથે જ ગદ્દારી કરીને ખનીજ માફિયા તત્વોને પ્રોત્સાહન આપીને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરતા હોવાની અનેકવાર ફરિયાદ થયેલ છે,તો બીજી બાજુ ધ્રોલ-જોડિયામાં રેતીની ચોરી કર્યા બાદ ઓવરલોડ ડમ્પરો બેફામ ગતિથી દોડી રહ્યા છે.જે કાયદાનો ખુલ્લેઆમ ભંગ કરવા છતાં સ્થાનિક લગત તંત્ર પગલાં ભરવામા શરમ અનુભવતી હોવાથી શંકા ઉપજે છે,

એક અહેવાલ મુજબ ધ્રોલ-જોડિયામાં રેતી ભરેલા ડમ્પરોના કારણે સરકારે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા રસ્તાઓ હાલ જે જર્જરિત હાલતમાં થઇ ગયા છે અને ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ભરવામાં આવતા ન હોવાથી ભારે રોષ જોવા મળી રહ્યો છે,જેમાં નથુવડલા રોડ,ભેસદળ રોડ,પિયાવા ચોકડીથી મોટા વાગુદડ રાજકોટ હાઇવે સુધીનો રોડ તેમજ અન્ય રસ્તાઓ પર ખુલ્લેઆમ રેતી ભરેલા ઓવરલોડ ડમ્પરો પસાર થવાથી રસ્તાઓ તૂટી જવાની ફરિયાદ ઉઠી છે,
એક બાજુ સરકાર કરોડો રૂપિયાના ખર્ચે રસ્તાઓ બનાવી રહી છે,તો બીજી તરફ રેતીની ખનીજ ચોરી કરીને ડમ્પરો રસ્તાઓ તોડી નાખતા હોવાથી ભારે પ્રજામાં ભારે નારાજગી જોવા મળી રહી છે.