ઢાળ પર પાર્ક થયેલ ડમ્પર ડ્રાઈવર વિના ચાલવા લાગ્યું, 2 ના મોત 

ચોટીલા નજીક બનેલ ઘટના સીસીટીવીમાં કેદ થઇ 

Mysamachar.in-સુરેન્દ્રનગર:

ક્યારેક કોઈ એવી ઘટના બનતી હોય છે જે ભારે આશ્ચર્ય પમાડે છે, સુરેન્દ્રનગરના યાત્રાધામ ચોટીલામાં પણ એક વિચિત્ર અકસ્માતની આવી જ ઘટના સામે આવી છે, જેમાં બે સગાભાઈઓના મોત નિપજ્યા હતા. ચોટીલા મામલતદાર કચેરી નજીક રસ્તાના ઢાળ પર પાર્ક કરાયેલું એક ડમ્પર ડ્રાઈવર વગર જ ચાલવા લાગતા આગળ જઈ રહેલા બે સગાભાઈઓ પર ફરી વળતા બંનેના મોત નિપજ્યા હતા. અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.

ચોટીલા મામલતદાર કચેરી પાસેથી પસાર થતા રસ્તા પર રાજસ્થાનના રહેવાસી પુષ્પેન્દ્ર સિંહ બુનેરા અને વિરેન્દ્રસિંહ બુનેરા નામના બે ભાઈઓ ચાલીને જઈ રહ્યા હતા. ત્યારે જ પાછળથી એક ડમ્પર આવ્યું હતું અને બંને ભાઈઓ પર ફરી વળ્યું હતું. ઘટનાના પગલે આસપાસથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ડમ્પરમાં તપાસ કરતા કોઈ ડ્રાઈવર ન હોવાનું જાણવા મળ્યું હતું.બન્ને ભાઈઓને કચડ્યા બાદ ડમ્પર આગળ જઈ અને દીવાલ સાથે અથડાઈ અને રોકાઈ ગયું હતું, કોલસી ભરેલ આ ડમ્પરના ડ્રાઈવરની બેદરકારી સામે આવી છે હેન્ડબ્રેક કર્યા વિના જ ડમ્પર છોડી આસપાસ ક્યાય જતો રહ્યો હતો.