Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાને ચર્ચા અને વિવાદોમાં રહેવાનો એક અનેરો શોખ છે.! અહીં અધિકારીઓ અને કર્મચારીઓની કાયમી ખોટ રહે છે કેમ કે, રોસ્ટર મુજબ સેટઅપ પર ધ્યાન આપવામાં આવતું નથી ! તાજેતરમાં વધુ એક વખત આમ બન્યું છે. નજીકના અને દૂરનાં ભૂતકાળમાં કોર્પોરેશનમાં વિપક્ષે અવારનવાર હોબાળો મચાવ્યો છે કે, કોર્પોરેશનમાં રોસ્ટર મુજબ સેટઅપ પર ગંભીરતાથી ધ્યાન આપવામાં આવતું ન હોય, અધિકારીઓ અને કર્મચારીઓની કાયમી ખેંચ જોવા મળે છે. અને મહત્વની વાત એ છે કે, સ્ટાફની આ ખેંચની માઠી અસરો કોર્પોરેશનની કામગીરીઓ પર પડે છે. જેને કારણે પ્રજાકીય કામો ટલ્લે ચડતાં રહે છે ! સહન કરવાનું કરદાતા નગરજનોના ભાગે આવે છે.બીજી બાજુ કોર્પોરેશનમાં આ સ્થિતિને કારણે લાગતાં વળગતાઓની ‘મોજ’ને સતત પોષણ મળતું રહે છે ! ઘણાં કિસ્સાઓમાં તો બિલાડાઓને દૂધનાં રખોપાં સોંપવામાં આવે છે, જેઓ દૂધનું ધ્યાન રાખવાને બદલે દૂધની મલાઈ ચપચપ આરોગી રહ્યા હોય છે !
કોર્પોરેશનની એસ્ટેટ શાખામાંથી રાજેન્દ્રસિંહ ચાવડા નિવૃત્ત થતાં, સિક્યોરિટી વડાનો વધારાનો ચાર્જ દબાણ નિરીક્ષક સુનિલ ભાનુશાળીને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત જૂનિયર ક્લાર્ક દબાણ નિરીક્ષક યુવરાજસિંહ ઝાલાને મૂળ કામગીરી સાથે ચીફ માર્શલનો વધારાનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, સુનિલ ભાનુશાળી વિરુદ્ધ અગાઉ લાંચનો એક ACB કેસ નોંધાયો હતો જે હાલ અદાલતને આધીન છે. આ સ્થિતિમાં તેઓને ઘણાં બધાં ‘કામો’ સોંપવા પાછળની રાજરમત પણ સમજી શકાય તેવી હોય, ઘણાં બધાં લોકો આ રાજરમત પર નજર રાખી તેનું વિશ્લેષણ કરી રહ્યા છે.
-કોન્ટ્રાકટ-કોન્ટ્રાક્ટની રમત કોર્પોરેશનમાં કુખ્યાત છે .!
જામનગર મહાનગરપાલિકાની કેટલીક વિવાદાસ્પદ વિશેષતાઓમાં કોન્ટ્રાક્ટની રમતનો પણ સમાવેશ થાય છે ! લાગતાં વળગતા સૌ, સતત મલાઈ ચપચપ આરોગતાં રહે છે, કેમ કે બિલાડીને દૂધનાં રખોપાંની સંગીતખુરશી રમત મહાનગરપાલિકાને દાયકાઓથી માફક આવી ગઈ છે ! ચોક્કસ અધિકારીઓ અને કર્મચારીઓ તેઓનાં નજીકનાં પોતાનાઓ ઘણાં કોન્ટ્રાક્ટ અંકે કરી લ્યે છે. મેનપાવર એજન્સીઓને આંખ દેખાડી અનુકૂળ પ્યાદાંઓને (લાગતા વળગતા પરિવારના સભ્યોને) ચોક્કસ જગ્યાએ ગોઠવી દેવામાં આવે છે, અને દરેક કામોમાં ‘બેઠી દલાલી’ ઘણાં લોકોનો મુખ્ય અને જૂનો ધંધો છે ! તાજેતરમાં એસ્ટેટ અને સિક્યોરિટી શાખા આ મુદ્દે વધુ એક વખત વિવાદનાં કેન્દ્રમાં આવી છે !