મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોથી બચવા શું કરવું અને શું ના કરવું..વાંચો આ અહેવાલ 

ડેન્ગ્યુ અને ચીકનગુનિયા ફેલાવતા મચ્છરો દિવસે કરડતા હોવાથી મચ્છરનાં કરડવાથી બચો

મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોથી બચવા શું કરવું અને શું ના કરવું..વાંચો આ અહેવાલ 
file image

Mysamachar.in-જામનગર:

ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં સતત ને સતત વધારો થતો રહે છે અને તેમાં ક્યાંકને ક્યાંક આપણા ઘરમાં કે આપણી આસપાસ આપણી જ બેદરકારી હોય છે, ત્યારે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોથી બચવા શું કરવું અને શું ના કરવું તે અંગે જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ કેટલાક સૂચનો લોકહિતાર્થે જાહેર કર્યા છે, જે ના માત્ર જામનગર કે ગુજરાત દરેક વ્યક્તિ માટે ખુબ કામના કહી શકાય તેવા છે તો તેના પર નજર કરવામાં આવે તો...


 
***મચ્છરજન્ય રોગોથી બચવા આટલું કરો.
પાણી ભરેલા તમામ વાસણો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા. 
પાણીની ટાંકીઓ, ફૂલદાનીઓ, પક્ષીકુંજ, કુલર ફ્રીજની ટ્રે વગેરે અઠવાડિયામાં એક વખત અચૂક સાફ કરો.
પાણીના નાના ખાડા-ખાબોચિયાનાં પાણી વહેવડાવી કે માટીથી પૂરી દો.
મોટા પાણીના ભરાવામાં બળેલું ઓઈલ કે કેરોસીન નાંખવું.
અગાસી, છજ્જા, પાર્કિંગની જગ્યા, સેલરમાં ભરાઈ રહેલ પાણીનો તાત્કાલિક નિકાલ કરવો.
ચોમાસામાં નકામાં ટાયરો, ખાલી વાસણો કે ધાબા પરના ડબ્બા તથા અન્ય ભંગારમાં વરસાદી પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખો.

મેલેરિયા ફેલાવતા મચ્છરો રાત્રે, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયા ફેલાવતા મચ્છરો દિવસે કરડતા હોવાથી મચ્છરનાં કરડવાથી બચો.

મચ્છરોનાં કરડવાથી બચવા માટે રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરો, આખી બાયના કપડાં પહેરો અને મચ્છર ભગાડવાની કોઈલ, ક્રીમ વગેરે રીપેલેંટસ નો ઉપયોગ કરો. સવારે અને સાંજે બારી બારણાં બંધ રાખો, આ સમયે મહત્તમ મચ્છરો ઘરમાં પ્રવેશે છે.

***મચ્છરજન્ય રોગોથી બચવા આટલું ન કરો.

પાણીથી ભરેલા તમામ વાસણો ખુલ્લામાં ન મૂકી રાખવા.

પાણીની ટાંકીઓ, ફૂલદાનીઓ, પક્ષીકુંજ, કુલર ફ્રીજની ટ્રે વગેરેમાં પાણી ભરાય ન રહેવા દેવું.
પાણીનાં નાના મોટા ખાડા-ખાબોચિયામાં વરસાદી પાણી ભરાયેલ રહેવા ન દેવું.
અગાસી, છજ્જા, પાર્કિંગની જગ્યા, સેલરમાં ભરાયેલ પાણી ભરેલું રહેવા ન દેવું.
નકામા ટાયર, ખાલી વાસણો કે ધાબા પરના ડબ્બા અને અન્ય ભંગારમાં વરસાદી પાણી ભરાયેલ ન મૂકી રાખવું.
ઘરના બારી બારણા સમી સાંજે ખુલ્લા ન મૂકી રાખવા.

*** પાણીજન્ય રોગોથી બચવા આટલું કરો.

પીવા માટે ઉકાળેલ / કલોરીનેશન યુક્ત પાણીનો ઉપયોગ કરવો.

શૌચાલયનો અવશ્ય ઉપયોગ કરો, શૌચ ગયા પછી અને જમતા પહેલાં સાબુથી હાથ અવશ્ય સાફ કરો, પાણી લેવા માટે ડોયાનો ઉપયોગ કરવો.

વર્ષાઋતુમાં આદુ, તુલસી, સુંઠ, અજમો, ફુદીના વગેરે જેવા ઘરઘથ્થુ ચીજવસ્તુઓનો ઉપયોગ વધારવો અને ઉકાળા સ્વરૂપે લેવો.

ગરમ તાજો રાંધેલો ખોરાક ખાઓ અને ખોરાક ઢાંકીને રાખો, એંઠવાડ ફળિયામાં ખુલ્લો ન નાખતા ડોર ટુ ડોર ગાર્બેઝ કલેકશન ગાડીવાળાને આપવું.

સ્વચ્છ વાતાવરણ, તંદુરસ્ત શરીર અને આરોગ્ય જળવાઈ રહે તેવા સંદેશા ફેલાવવા અને રોગચાળા વિશેની માહિતી તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર આપવી.

ખુલ્લા પગે ફરવાનું ટાળો તથા અંધારામાં જવા માટે લાઈટ(ટોર્ચ)નો ઉપયોગ કરવો. ઝાડા થાય ત્યારે ઓ.આર.એસ.નો ઉપયોગ કરવો.

બીમારીના કિસ્સાઓમાં તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પરથી સારવાર લેવી અને રોગ સંબંધિત વિગતોની જાણ કરવી.

***પાણીજન્ય રોગોથી બચવા આટલું ન કરો.

ડહોળા/પ્રદુષિત પાણીનો પીવા માટે ઉપયોગ ટાળો.

ખુલ્લામાં શૌચક્રિયા જવું નહિ.

તીખા, તળેલા, વાસી અને બિન આરોગ્યપ્રદ ખુલ્લા ખોરાકનોઉપયોગ કરવો નહિ.

અફવાઓનો ફેલાવો કરવો નહિ. ડોક્ટરનાં માર્ગદર્શન સિવાયની બિનજરૂરી દવાઓનો ઉપયોગ ટાળો
બીમારીના કિસ્સાઓમાં સારવાર કરાવવામાં વિલંબ ન કરવો.