એવું ના માનવું કે નિવૃત થયા એટલે ACBનો ગુન્હો દાખલ ના થાય આ કિસ્સો વાંચી લેજો

નિવૃત અધિકારી સામે અપ્રમાણસરની મિલકત અંગે નોંધાયો ગુન્હો

એવું ના માનવું કે નિવૃત થયા એટલે ACBનો ગુન્હો દાખલ ના થાય આ કિસ્સો વાંચી લેજો
file image

Mysamachar.in-વડોદરા

તાજેતરમાં જ રાજકોટમાં GIDCના અધિકારી સામે એસીબીએ આવકથી વધુ સંપતિ હોવાનો એટલે કે અપ્રમાણસરની મિલકતનો ગુન્હો દાખલ કર્યો ત્યાં જ ગુજરાતમાં વધુ એક ગુન્હો એસીબીએ નિવૃત અધિકારી સામે દાખલ કર્યો છે, ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લીમીટેડના ફિલ્ડ આસિસ્ટન્ટ અધિકારી દ્વારા ફરજ દરમિયાન 53.58 ટકા જેમાં 1.20 કરોડની અપ્રમાણસર મિલકત ભેગી કરતા વડોદરા ગ્રામ્ય એસીબી દ્વારા હાલ નિવૃત થયેલા ફિલ્ડ આસીસ્ટન્ટ અધિકારી સામે ગુનો દાખલ કરીને નિવૃત્તિ બાદ પણ એસીબી ગાળિયો કસી શકે તેવી વાતને સમર્થન આપ્યું છે,

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના રારોદ ખાતે આવેલી જમીન વિકાસ નિગમની કચેરીમાં વર્ગ-3ના અધિકારી અને ફિલ્ડ આસીસ્ટન્ટ તરીકે કિશોરકુમાર જયંતીલાલ શાહ (ઉ.વ.59) ફરજ બજાવતા હતા. જ્યારે હાલ તેઓ વય નિવૃત થયેલા છે. જોકે સરકારની યોજનાઓ જેવી કે ખેત તલાવડી,સીમ તલાવડી,પાણીના ટાંકા બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર કરવા બદલ વડોદરા ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશન દ્વારા કિશોર શાહ વિરૂધ્ધ વર્ષ 2018માં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાની તપાસમાં શરૂઆતમાં કિશોર શાહ અને તેમના પરિવારના સભ્યોની મિલકત સંબંધી દસ્તાવેજોના પુરાવાઓ અને બેંક ખાતાઓની માહીતી મેળવી તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ તપાસમાં કિશોર શાહે પોતાની ફરજ દરમિયાન કાયદેસરની આવક રૂ.2.43 કરોડ થતી હતી,જેની સામે તેમણે કરેલા ખર્ચ અને રોકાણ રૂ.3.63 કરોડનું હોવાનું સામે આવ્યું હતું. જેથી અધિકારીએ રૂ.1.20 કરોડની વધુ અપ્રમાણસર મિલકતો વસાવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. વય નિવૃત અધિકારીના પગાર અને તેમના અન્ય બેંક એકાઉન્ટના ચેક પીરીયડના 1 એપ્રીલ 2010 થી 31 ડિસેમ્બર 2018 સુધીના સમયગાળામાં કુલ રૂ.52,36,650 ની રકમ તેમના જુદા જુદા બેંક એકાઉન્ટમાં જમા થઈ હતી. તેમજ રૂ.61,29,811 બેંક ખાતામાંથી ઉપાડ કર્યાં હતાં. એસીબીએ આ અંગે ગુનો નોંધ્યો છે.