Mysamachar.in-
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દર પંદર દિવસે મળે છે, જેમાં માત્ર જાણ માટેનાં ખર્ચ, જેની કોઈ ચર્ચા ન કરવામાં આવે, પરચૂરણ ખર્ચ તરીકે દર્શાવી કરદાતા નગરજનોના લાખો રૂપિયા, આ રીતે વર્ષમાં 24 વખત લાગતાં વળગતાઓનાં ખિસ્સા સુધી પહોંચાડવામાં આવે છે, જે ખરેખર તો વ્યવસ્થિત ઓડિટનો વિષય લેખાવી શકાય. આ પ્રકારના પરચૂરણ ખર્ચાઓનો વાર્ષિક આંકડો તોતિંગ હોય છે !
આ પ્રકારના ખર્ચમાં કેવાં પ્રકારની કળા કારીગરી હોય છે, તે સૌ નગરજનો જાણી શકે તે માટે અત્રે ટૂંકી વિગતો સાથે પ્રસ્તુત છે. અહીં દર્શાવેલાં આંકડા એક જ બેઠકમાં મંજૂર થયેલાં આંકડા છે. દર પંદર દિવસે આ પ્રકારના ખર્ચ પ્રજાનાં ખિસ્સાં ખાતે ઉધારી સંબંધિતોના ખિસ્સામાં જમા થતાં રહે છે ! સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી બેઠક કાલે ગુરુવારે યોજાઈ હતી. જેમાં જાહેરાતો, સ્ટેજ, મંડપ, રીક્ષા ભાડાં જેવાં કામો પાછળ થયેલાં ખર્ચનો કુલ આંકડો રૂ. 4,21,023 દર્શાવવામાં આવ્યો છે.
-માણસો ભાડે રાખવાનો ખર્ચ રૂ. 30,95,878
કોર્પોરેશને આ બેઠકમાં માણસો ભાડે રાખવા પેટે રૂ. 30,95,878 નો ખર્ચ પાડયો. અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશનમાં કાયમી અને જવાબદાર તથા હોશિયાર અથવા અનુભવી કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી. અણઘડ અને મામા-ફઈનાં લાડકાઓને જવાબદારીવાળા કામો સોંપવામાં આવે છે. જેને પરિણામે આ કામોમાં કોઈ ક્વોલિટી હોતી નથી. કરદાતા નગરજનો પરેશાન થાય છે. આ પ્રકારના ભાડાનાં માણસો યોગ્ય કામ ન કરે કે કોઈ કુંડાળા ચીતરે તો તે કર્મચારીઓ વિરુદ્ધ કશું થઈ પણ ન શકે, બહુ બહુ તો છૂટાં કરી શકાય. આ પ્રકારના ખર્ચ છૂટથી કરવામાં આવતાં હોય, કરદાતા નગરજનોના નાણાં વેડફાય છે અને કોર્પોરેશનમાં કવોલિટી કામો થતાં નથી. બધે જ હોતી હૈ, ચલતી હૈ ની માફક ચાલે છે ! ભૂગર્ભ ગટર નેટવર્ક મજબૂતીકરણ તથા વિસ્તૃતીકરણ માટે વધારાનાં ખર્ચ પેટે તથા ટેન્ડર કામગીરી માટે આ બેઠકમાં રૂ. 12,29,664 નો ખર્ચ મંજૂર થયો.
-મેળાખર્ચ પેટે આ બેઠકમાં રૂ. 6,72,044 નો ખર્ચ ઉધારવામાં આવ્યો હતો.
આ સાથે આવાસો સંબંધી કામગીરીઓ પેટે તથા રેરા પોર્ટલ સંબંધી કામો માટે આ બેઠકમાં રૂ. 19,52,937 નો ખર્ચ લખવામાં આવ્યો છે.
-વાહન તથા લેબોરેટરી ટેકનિશ્યન તાલીમ ખર્ચ પેટે રૂ. 57,201 ઉધારવામાં આવ્યા છે.
બંદોબસ્ત લંચ, પેટ્રોલ ડીઝલ, સાયરનનો ખર્ચ રૂ. 1,16,332 લખવામાં આવ્યા છે. જાહેરાતો વગેરે પરચૂરણ કામો માટે રૂ. 63,097 દર્શાવવામાં આવ્યા છે. કોમ્પ્યુટર શાખા માટેનાં કામોનો ખર્ચ રૂ. 3,57,762 ઉધારવામાં આવ્યો છે. ડીઝલ, ડીટીએચ, ચા-કોફી વગેરેનો પરચૂરણ ખર્ચ રૂ. 72,625 લખવામાં આવ્યો છે. દર પંદર દિવસે આ પ્રકારના ખર્ચ મંજૂર થતાં રહે છે.
-વોટર વર્કસ શાખા માટે રૂ. 16,64,678 પરચૂરણ ખર્ચ !
આ વિભાગમાં જનરેટર બેટરી સમારકામ, ડિઝલ, કલોરીન સેફ્ટી કીટ તથા પાણીનાં ટેસ્ટીંગ જેવાં કામો માટે આ ખર્ચ કરવામાં આવ્યો છે.
-પદાધિકારીઓ અને અધિકારીઓ તથા નગરસેવકો મોડેલિંગ ફોટોગ્રાફી કરાવે છે ?!
સ્ટેન્ડિંગ કમિટીની આ બેઠકમાં ફોટોગ્રાફી, વીડિયો શૂટિંગ, બેનર, સ્ટેશનરી, ડીજીસેટ જેવાં કામો માટે કુલ રૂ. 22,80,808 નો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. જેમાં લિફ્ટ તથા ફૂવારા સમારકામનાં ખર્ચ પણ મોટાં કહી શકાય તેવાં છે. નવો ફૂવારો બનાવી શકાય એટલાં ખર્ચમાં કોર્પોરેશન સમારકામ માત્ર કરાવે છે ! ધડાધડ બિલો પાસ કરી આપે છે !! આમ, આ બેઠકમાં પરચૂરણ કહી શકાય તેવાં કામો પાછળ રૂ. ની તોતિંગ રકમ ચર્ચા વિના જ મંજૂર કરવામાં આવી છે.