કૂતરાંઓ પહેલવાન છે: સરકાર અને તંત્રો તેને નાથી શકતાં નથી  !! 

રાજયમાં દર 5 મિનિટે 3 લોકોને કરડી લ્યે છે કૂતરાંઓ.....

કૂતરાંઓ પહેલવાન છે: સરકાર અને તંત્રો તેને નાથી શકતાં નથી  !! 
file image

Mysamachar.in-જામનગર:

રખડતાં પશુઓ મુદ્દે જામનગર સહિત સમગ્ર રાજયના તંત્રો જેટલાં ઉણાં ઉતર્યા છે, એટલાં જ પ્રમાણમાં રખડતાં કૂતરાંઓના મામલે પણ તંત્રો અને સરકાર ટૂંકી પડી રહી છે  ! સરકાર લોકોને કૂતરાંઓના ભયાનક ત્રાસમાંથી છૂટકારો અપાવી શકતી નથી!! કોઈ કોઈ શહેરમાં કોર્પોરેશન કૂતરાંઓને પકડે છે અને જામનગર જેવા કોઈ કોઈ શહેર વળી એમ પણ કહે કે, સુપ્રિમ કોર્ટે કૂતરાંઓને પકડી લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. નગરજનોની તંત્રને ચિંતાઓ નથી- એ મુદ્દો ખુદ ખૂબ ચિંતાપ્રેરક છે.

જામનગર શહેરના ઘણાં મુખ્ય માર્ગો અને સંખ્યાબંધ વિસ્તારો એવા છે જયાં હજારો મહિલાઓ, બાળકો અને રાહદારીઓ તથા વાહનચાલકો, રીતસર, કૂતરાંઓના ભયાનક ત્રાસને કારણે ફફડી રહ્યા છે. જો કે કોર્પોરેશન આ મુદ્દે કાયમ મૂંગુ જ રહે છે  ! વચ્ચે થોડાં મહિનાઓ એક સ્વૈચ્છિક સંસ્થાએ કૂતરાંઓના રસીકરણ અને ખસીકરણની કામગીરીઓ કરી વાહવાહી બટોરી લીધાં પછી, આ કામગીરીઓ બંધ કરી દીધી અને કોર્પોરેશનને તો જાણે કે, રખડતાં કૂતરાંઓના ત્રાસ અંગે કશી જ ખબર ન હોય, એમ સૌ અજાણ્યા બનીને વર્તે છે  ! તેથી નગરજનોમાં ભારે નારાજગી છે.

જામનગરની જીજી હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલોમાં કૂતરાંઓ કરડયા પછીની સારવાર લેનારાઓ હજારો લોકો છે. પરંતુ શાસકો અને અધિકારીઓ આ મુદ્દે સંપૂર્ણ મૌન. કેમ  ?! આ સમસ્યા નથી  ?! કોર્પોરેશન તમામ પ્રકારના વેરાઓ અને ચાર્જીસ વસૂલે જ છે, લોકો પૂછે છે, આ મુદ્દે કોર્પોરેશનની કોઈ જ જવાબદારીઓ નહીં  ?! આટલું અંધેર તંત્ર  ?!

સમગ્ર રાજયમાં આ હૈયાહોળી છે. સરકાર પણ ઉદાસીન છે. પાછલાં ત્રણ વર્ષ દરમિયાન રાજયમાં સાડા બાર લાખ લોકોને કૂતરાંઓ કરડી ગયા. !! દર પાંચ મિનિટે રાજયમાં ત્રણ લોકોને કૂતરું બચકું ભરી લ્યે છે.! અમદાવાદ સહિતની એકાદબે મહાનગરપાલિકાઓ કૂતરાંઓ પકડે પણ છે. જો કે આમ છતાં નાગરિકોને કૂતરાંઓ મુદ્દે સલામત બનાવી શકાયા નથી, એ વરવી અને કડવી હકીકત છે.

જામનગર આસપાસના ગ્રામ્ય વિસ્તાર તથા સમગ્ર જિલ્લામાં આ સમસ્યા વધતાં ઓછાં પ્રમાણમાં જોવા મળે જ છે, છતાં તંત્રો ઉદાસીન  !! અને લોકોમાં તંત્રો પ્રત્યે ગુસ્સો. કૂતરાંઓ સંખ્યાબંધ બાળકો અને મહિલાઓ તથા વૃધ્ધોને શિકાર બનાવે છે છતાં તંત્રોના પેટનું પાણી હલતું નથી  !! અને અચરજની વાત એ પણ છે કે, આ મુદ્દે લોકો પણ અદભૂત સહનશક્તિ દાખવી રહ્યા છે  ! જનતા ભગવાનભરોસે છે કૂતરાંઓના ભરોસે  ?! એ પ્રશ્નનો ઉત્તર શોધવો મુશ્કલ છે.