પદાધિકારીઓની વરણી સમયનો અસંતોષ હજૂ ઠર્યો નથી
શાસકપક્ષના સ્થાનિક કાર્યક્રમોમાં નગરસેવકોની ઉડીને આંખે વળગતી ગેરહાજરી

Mysamachar.in-જામનગર:
જામનગર કોર્પોરેશનમાં અઢી વર્ષની બીજી ટર્મ માટે જ્યારે દાવેદારોની સેન્સનો સમય ચાલતો હતો ત્યારે સંખ્યાબંધ દાવેદારો હતાં. ત્યારે જ દાવેદારોની મોટી સંખ્યાને કારણે સૌએ ભવિષ્ય ભાખેલું કે, ગિરદી બહુ હોય, વરણીઓ બાદ અસંતોષની આગ ધૂંધવાશે. આ ધૂંધવાટ આજે પણ દેખાઈ રહ્યો છે.
કોર્પોરેશનમાં નવા પદાધિકારીઓની નિયુક્તિઓ થઈ ગઈ તેને ઘણાં બધાં દિવસો વીતી ગયા છે, આમ છતાં પક્ષમાં અંદરખાને આવેલાં આફટરશોકની અસરો હજુ આજે પણ અનુભવાઈ રહી છે. એક પણ સ્થાનિક કાર્યક્રમમાં આખો શાસકપક્ષ અકબંધ જોવા મળતો નથી. એમાં પણ ખાસ કરીને જે વિસ્તારોમાં કાર્યક્રમો હોય ત્યાં જ કોર્પોરેટરોની ગેરહાજરી નોંધપાત્ર બની રહી હોવાનું દેખાઈ રહ્યું છે. અને તે બાબતની નોંધ સૌ લઇ રહ્યા છે.
પદાધિકારીઓની પસંદગીઓ બાદ શહેરમાં શાસકપક્ષ દ્વારા અત્યાર સુધીમાં ઘણાં બધાં સ્થાનિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. પરંતુ આ કાર્યક્રમોમાં અગાઉ જેવો ઉમંગ નજરે પડતો નથી. ઘણાં બધાં કાર્યક્રમોમાં હાજરીઓ પાંખી હોય છે અને મોટાભાગના કાર્યક્રમોમાં ખાસ કરીને નગરસેવકોની ગેરહાજરીની બધે જ નોંધ લેવાઈ રહી છે. હવે પછીનો સમય ચૂંટણીલક્ષી કાર્યક્રમોનો હોય, સ્વાભાવિક રીતે જ પક્ષના સંગઠનમાં પણ હાલના આ વાતાવરણને કારણે ઘેરી ચિંતાનું આવરણ હોવાનું સૂત્ર જણાવી રહ્યા છે.