બેંક સાથે કેટલીયવાર કરી છેતરપીંડી પણ અંતે આવી ગયા હાથમાં...

નવી મોડસઓપરેન્ડી..

બેંક સાથે કેટલીયવાર કરી છેતરપીંડી પણ અંતે આવી ગયા હાથમાં...
પ્રતિકાત્મક તસ્વીર

Mysamachar.in-રાજકોટ:

બેંકો ગમે તેટલી સાવચેતી રાખે પરંતુ ભેજાબાજો તેનો પણ કોઈને કોઈ રસ્તો શોધી લઈને બેંકો સાથે પણ છેતરપીંડી કરતાં હોવાનું સમયાંતરે સામે આવતું રહે છે,ત્યારે આવા જ કેટલાક કિસ્સાઓની નોંધાયેલી ફરિયાદ બાદ રાજકોટ સાઇબર સેલ ટીમને મહત્વની સફળતા મળી છે.

ગુજરાત સહિત 7 રાજ્યોમા પોતાના બદઈરાદાઓને અંજામ આપતી મેવાતી ગેંગના બે સભ્યોને જુદીજુદી બેંકના 50થી વધુ એટીએમ કાર્ડ સાથે પોલીસે ઝડપી પાડ્યા છે,ઝડપાયેલા આરોપીઓએ પોલીસની પ્રાથમિક પુછપરછમા 10 લાખથી પણ વધુ રકમની છેતરપિંડી આચર્યાની કબુલાત આપી છે.

રમેશભાઇ ચાવડા નામના SBI બેંકના મેનેજરે એક ફરીયાદ આપી હતી. જેમા બેંકના નિતીનિયમો મુજબ પોતાની જવાબદારી હેઠળ આવતા ATM મશીનોમા થયેલા ટ્રાન્જેક્શનો નાણાકીય રિકન્સીલેશન કરતા હતા. ત્યારે એસબીઆઇ બેંકના એટીએમ મશીનોમા અમુક ટ્રાન્ઝેકશન છેતરપીડીથી કરવામા આવ્યા હોવાનુ ખુલવા પામ્યુ હતુ. જે બાબતની ફરિયાદ શહેરના સાયબર સેલ બ્રાંચમા નોંધાઈ હતી જેને આધારે તે દિશામાં તપાસના અંતે મહત્વની કહી શકાય તેવી સફળતા મળી છે,

SBI બેંકના અલગ અલગ કુલ ૭ ATM મશીનોમાંથી વિવિધ ૨૬ જેટલા ટ્રાન્ઝેકશન કરી કુલ 5.21 લાખની રકમની છેતરપિંડી કરવામા આવી હતી. ફરિયાદ નોંધાતાની સાથે જ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવી, ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરતા ઈમરાન અને અઝરૂદ્દિન નામના શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે,

આરોપીઓ ખુબ જ સિફતપૂર્વક જેવા નાણા ATM મશીનમાંથી બહાર આવે કે તે નાણાને તેજ સ્થિતીમાં પકડી રાખી તુરતજ મશીનની પાછળ આવેલી ડ્રગ પાવર સ્વીચ ઓફ કરી બાદમા તે જ સ્વીચ ઓન કરતા હતા અને આરોપીઓ બેંકના ટોલ ફ્રી નંબર પર કોલ કરી ATM સેન્ટરમાંથી પોતાને નાણાં મળેલ નથી. તેવી કમ્પ્લેઇન રજીસ્ટર કરાવી બેંકમાંથી ફરીવાર નાણાં પરત મેળવી બેંકો સાથે છેતરપીંડી આચરતા હતા. હાલ તો પોલીસે આ ભેજાબાજ આરોપીને ઝડપી આ આરોપી દ્વારા વધુ ક્યાં ક્યાં આ પ્રકારની છેતરપીંડી આચરી છે તે દિશામાં પણ તપાસ લંબાવાઈ છે.