ધ્રોલ પોલીસનું ઓપરેશન, ઓરડીમાં છુપાવેલ દારૂનો જંગી જથ્થો જપ્ત

એક ઝડપાયો એક ફરાર

ધ્રોલ પોલીસનું ઓપરેશન, ઓરડીમાં છુપાવેલ દારૂનો જંગી જથ્થો જપ્ત

Mysamachar.in-જામનગર

જામનગર જીલ્લામાંથી વધુ એક વખત દારૂનો મોટો જથ્થો પોલીસને હાથ લાગ્યો છે, આ વખતે ઓપરેશન પાર પાડનાર ધ્રોલ પોલીસ છે, વાત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સણોસરા ગામે ધ્રોલ પોલીસે દરોડો પાડી 2892 બોટલ દારૂ સાથે એક શખ્સને સ્થળ પરથી પકડી પાડ્યો છે જયારે રાજકોટના અન્ય એક શખ્સને ફરાર જાહેર કરાયો છે. જે જગ્યાએ પોલીસે દરોડો પાડ્યો ત્યાં મોટી માત્રામાં દારુ ઓરડીમાં સંતાડી રાખવામાં આવ્યો હતો જે પોલીસે જપ્ત કરી અને દારૂનું વેચાણ થાય પૂર્વે જ દારૂ જપ્ત કરી લીધો છે.

ધ્રોલની હદમાં આવેલ સણોસરા ગામે રતુભા લખુભા જાડેજા અને બહાદુરસિંહ વજુભા ઝાલા સણોસરા ગામની વાડીમાં દારૂનો જંગી જથ્થો ઉતારીને ધંધો શરુ કર્યો હોવાની બાતમી ધ્રોલ પીએસઆઈ એમ.એન.જાડેજા અને સ્ટાફના રામદેવસિંહ ઝાલાને મળતા બાતમીવાળી જગ્યા પર દરોડો પાડી વાડીની ઓરડીમાંથી રૂપિયા 11,32,400ની કીમતનો 2892 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ધ્રોલ પોલીસે આ દારુ કબજે કરી હાજર મળી આવેલ રતુભા લખુભા જાડેજા નામના ઇસમની ધરપકડ કરી હતી. જયારે હાજર નહી મળી આવેલ બહાદુરસિંહને ફરાર જાહેર કર્યો છે.