દેવભૂમિ દ્વારકા જીલ્લામાં બેફામ ખનીજચોરી, લોકો જનતા રેડ કરે તો તંત્ર શું કરે છે.?

ખાનગી કંપનીના ડમ્પરો દ્વારા કરવામાં આવતું હતું ખનિજનું વહન 

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં બેફામ ખનીજચોરી, લોકો જનતા રેડ કરે તો તંત્ર શું કરે છે.?

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા ખનીજ અને ખાસ કરીને બોકસાઇટનો ગઢ ગણાય છે તેમાં બેફામ ખનીજચોરી છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે અને જેની પ્રાથમિક ફરજ આ ખનીજચોરીને રોકવાની છે તે ખાણ ખનીજ વિભાગ સમયાંતરે કરવા જેવી કાર્યવાહી સિવાય કશું જ નથી કરતો તે સૌ જાણે છે, એવામાં હવે લોકો જાગૃત થઈને જનતા રેડ કરે છે ત્યારે ખાણ ખનીજ સહિતના તંત્રએ શરમ કરવી જોઈએ તેવી સ્થાનીકોમાં ચર્ચાઓ ચાલી રહી છે,

ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ સમયાંતરે વિવિધ પ્રકારની ખનીજચોરી પ્રકાશમાં આવી છે. ખાસ કરીને દરિયાઇ રેતી ચોરી તથા બોકસાઇટ ચોરીના બનાવો અવારનવાર પોલીસ ચોપડે નોંધાયા છે. જ્યારે ખંભાળિયા- દ્વારકા હાઈ-વે પર ચાલી રહેલા રસ્તાના કામમાં ઉપયોગમાં લેવાતી કપચી (ખનીજ) ની મંજૂરી વગર તથા ઓવરલોડ રીતે કરવામાં આવી રહેલી હેરાફેરી સંદર્ભે જાગૃત લોકો દ્વારા ગત મોડીરાત્રીના સમયે જનતા રેડ કરી અને પાંચ ડમ્પર પકડી પાડવામાં આવ્યા છે. ખાનગી કંપનીની માલિકીના મનાતા આ વાહનો સહિત કુલ રૂપિયા દોઢ કરોડ જેટલો મુદ્દામાલ ખનિજ તંત્ર દ્વારા કબજે લેવામાં આવ્યો છે.

આ મામલે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા-જામનગર હાઈવે પર આશરે દસેક કિલોમીટર દૂર એન.આર.ઈ. કંપનીની ગોલાઈ આગળથી રાત્રિના એકાદ વાગ્યાના સમયે સ્થાનિક જાગૃત લોકોએ કાર્યવાહી કરી અને આ માર્ગ પરથી પસાર થઈ રહેલા કાકરી (કપચી) ભરેલા પાંચ ડમ્પરને અટકાવવામાં આવ્યા હતા. આ જનતા રેડમાં ત્રણ ડમ્પર ચાલકો પાસે આ બ્લેક સ્ટ્રેપ (કપચી) ની કોઈ રોયલ્ટી ન હતી અને બે ડમ્પર ઓવરલોડ જઈ રહ્યા હતા.

આથી આ અંગે ઉપસ્થિત લોકો દ્વારા ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી. જેના અનુસંધાને ખાણ ખનીજ અધિકારી સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ તમામ પાંચ વાહનોનો કબજો મેળવી અને ધોરણસરની કાર્યવાહી કરી હતી. વધુમાં જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા નજીક ચાલી રહેલા રોડના કામ જે કંપની દ્વારા કરવામાં આવી રહ્યા છે, તેના યાર્ડ (સ્ટોર) માંથી આ કંપનીના વાહનો દ્વારા કાકરી (કપચી) લઈ જવામાં આવતી હતી. જેથી ખાણ ખનીજ વિભાગ દ્વારા આશરે રૂપિયા દોઢ કરોડ જેટલો આ મુદ્દામાલ કબજે લઇ અને કંપનીને નોટીસ આપવા સહિતની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.