લાંચિયા બાબુઓની વધી રહી છે સંખ્યા, નાયબ મામલતદાર સવા બે લાખની લાંચ લેતા ઝડપાઈ ગયો

આ કામ માટે માંગી હતી લાંચ

લાંચિયા બાબુઓની વધી રહી છે સંખ્યા, નાયબ મામલતદાર સવા બે લાખની લાંચ લેતા ઝડપાઈ ગયો
symbolic image

Mysamachar.in-આણંદ

નવી સરકાર ભલે ભ્રષ્ટાચાર નાબુદીની વાતો કરે પણ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં રોજ એક સરકારી બાબુ લાંચ લેતા ઝડપાઈ રહ્યો છે, આ બાબત સ્પષ્ટ કરે છે કે સરકારી વિભાગોમાં લાંચિયાઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે, આ તમામ વચ્ચે ગતસાંજે ફરી એક એસીબીની ટ્રેપ થઇ અને નાયબ મામલતદાર સવા બે લાખની લાંચ લેતા ઝડપાઈ ગયો છે,આ કિસ્સામાં આણંદ જીલ્લાના ઉમરેઠ મામલતદાર કચેરીના ઇ-ધરા કેન્દ્રના નાયબ મામલતદારને  નડિયાદ એસીબી દ્વારા રંગેહાથ પકડી લેવામાં આવ્યાં છે. ઉમરેઠ મામલતદાર ઓફિસના ઇ-ધરા કેન્દ્રના નાયબ મામલતદાર જયપ્રકાશ પુરૂષોત્તમભાઈ સોલંકી પાસે ભાલેજના બિલ્ડર આવ્યાં હતાં. આ બિલ્ડર જમીન ખરીદી પ્લોટીંગ કરી કન્સ્ટ્રકશનનું કામ કરે છે અને હાલમાં 11 વીઘા જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. જોકે, આ જમીનના ક્ષેત્રફળ બાબતે ક્ષતિ જણાતા ક્ષતિ સુધારણાનો દસ્તાવેજ કરી વેચાણ દસ્તાવેજની પાકી નોંધ પ્રમાણિત કરવા માટે આવ્યાં હતાં.

જે બાબતે નાયબ મામલતદાર જે. પી. સોલંકીએ પાકી નોંધ પ્રમાણિત કરવા માટે પ્રથમ રૂ.3 લાખની લાંચની માગણી કરી હતી. જોકે, રકઝક થતાં આખરે રૂ. 2.25 લાખમાં આપવાનું નક્કી થયું હતું. આ બાબતે બિલ્ડરના ભત્રીજાએ નડિયાદ એન્ટી કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ આપતાં એસીબી ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. એસીબી દ્વારા ગોઠવાયેલ આ છટકા મુજબ નાયબ મામલતદાર જે.પી. સોલંકી લાંચની રકમ લેવા ભાલેજની તાડપુરા ચોકડી, અમન કોમ્પ્લેક્સ પાસે ગયાં હતાં. જે બાદ  એસીબીએ જરૂરી કાર્યવાહી કરી તેને વધુ તપાસ અર્થે ડિટેઈન ઝડતી સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.