જામનગર સહિત રાજ્યભરમાં લોકસભાની ચૂંટણીમાં વિપક્ષનાં ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થશે !
મુખ્યમંત્રી-પ્રદેશ ભાજપા અધ્યક્ષ તમામ જિલ્લાની મુલાકાત લેશે, વ્યૂહરચના ઘડશે....

Mysamachar.in:જામનગર
ગત્ વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં શાસકપક્ષને જંગી બહુમતી મળી. સ્વાભાવિક રીતે જ, શાસકપક્ષની નજર હવે લોકસભાની આગામી ચૂંટણીમાં જબરદસ્ત સફળતા મેળવવા પર છે. 2024ની લોકસભા ચૂંટણી શાસકપક્ષ, ગુજરાત તથા ભારતના ભવિષ્યને નવો આકાર આપશે એમાં બેમત નથી અને તેથી ગૃહરાજ્યમાં આ ચૂંટણીમાં ઐતિહાસિક જિત મેળવવા સ્વાભાવિક રીતે જ નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ એકદમ નવી અને અસરકારક વ્યૂહરચના વિચારી હોય, એ સમજી શકાય તેવી બાબત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાતમાં તમામ 26 લોકસભા બેઠકો શાસકપક્ષ પાસે છે જ.
શાસકપક્ષે મિશન 2024ની સફળતા માટે અત્યારથી પ્રયાસો અને પ્રવાસો શરૂ કરી દીધાં છે. મુખ્યમંત્રી તથા પ્રદેશ અધ્યક્ષ ચૂંટણી ઉમેદવાર નકકી કરતાં પહેલાં જામનગર સહિત રાજ્યભરમાં તમામ જિલ્લાની મુલાકાત લેશે. બંને મહાનુભાવો એ બાબત સુનિશ્ચિત કરવાની ફિરાકમાં છે કે, તમામ 26 લોકસભા બેઠક પર પક્ષને બેજોડ સફળતા સાંપડે, તમામ પ્રતિસ્પર્ધીઓની ચૂંટણી ડિપોઝિટ ડૂલ થાય ! આ માટે આ બંને વડાઓ દરેક જિલ્લામાં પ્રત્યેક લોકપ્રતિનિધિઓ તથા આગેવાનોને ધ્યાનથી સાંભળી રહ્યા છે.
વડોદરા જિલ્લાના ધારાસભ્ય કેયૂર રોકડિયા કહે છે : આગામી સમયમાં મુખ્યમંત્રી તથા પ્રદેશ અધ્યક્ષ દરેક જિલ્લામાં સંકલન બેઠક યોજશે. વડોદરા જિલ્લાના સાંસદ, ધારાસભ્યો, શહેર અને જિલ્લાના હોદેદારો તેમજ સહકારી ક્ષેત્રનાં આગેવાનો વગેરેની આ પ્રકારની સંકલન બેઠક યોજાઈ ગઈ. આ પેટર્ન પર દરેક જિલ્લામાં બેઠકો થશે. ગત્ વિધાનસભા ચૂંટણીમાં પક્ષનાં ઉમેદવારોની જ્યાં ઓછાં માર્જિનથી હાર થઈ છે અથવા માઈનસ કે નહિવત્ મતો મળ્યા છે, તેવા જિલ્લાઓ પર વધુ ફોકસ કરવામાં આવ્યું છે. જો કે જામનગર જિલ્લામાં આ પ્રશ્ન નથી, એકમાત્ર જામજોધપુર પંથક પર શાસકપાંખે વધુ ફોક્સ કરવું પડશે એવું સમજાઈ રહ્યું છે.