Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં આવેલ અને જાણીતી એવી આરામ હોટલમાં કડિયાકામ કરવા માટે આવેલ યુવાનનું મોત નિપજતા ભારે સનસનાટી મચી જવા પામી છે, જાણવા મળતી વિગતો મુજબ હોટેલના જીમરૂમમાં રીનોવેશન કામગીરી મૃતક યુવક કરતો હતો ત્યારે ગ્રાઇન્ડર મશીન છટકતા ગળાની નસ કપાઇ જતાં યુવાનનું મૃત્યુ નિપજયું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે,
આ મામલે પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો મુજબ જામનગરમાં કડીયાવાડ વિસ્તારમાં રહેતો અને કડિયાકામ કરતો સંજય રાજુભાઇ ખેતાણી નામનો 32 વર્ષીય યુવક ગત સાંજે શહેરની આરામ હોટલમાં જીમરૂમમાં કડિયાકામ કરતો હતો. કડિયાકામ દરમ્યાન સાંજે 7 વાગ્યા આસપાસ સંજય દિવાલમાં ગ્રાઇન્ડર મશીનથી ઝરી પાડી રહ્યો હતો. આ સમયે અચાનક સંજયના હાથમાંથી ગ્રાઇન્ડર મશીન છટકયું હતું અને ગળાની ભાગે લાગતા ગળાની નસ કપાઇ ગઇ હતી. લોહીલુહાણ હાલતમાં તે બહાર દોડયો હતો અને ઢળી પડયો હતો. આથી ઘાયલ યુવાનને હોટલના સ્ટાફે તાકીદે જી.જી.હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ માર્ગમાં જ તેનું મૃત્યુ નિપજયું હતું. બનાવની જાણ થતાં સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવ અંગે તપાસ હાથ ધરી છે.