દુઃખદ, વાહન અડફેટ લેતા દ્વારકા જઈ રહેલા 2 પદયાત્રીઓના મોત

વાહનચાલક વિરુદ્ધ ગુન્હો, તો મૃતકોના પરિવારમાં શોકનું મોજું

દુઃખદ, વાહન અડફેટ લેતા દ્વારકા જઈ રહેલા 2 પદયાત્રીઓના મોત

Mysamachar.in-જામનગર

આજે વધુ એક વખત અકસ્માતની દુઃખદ કહી શકાય તેવી ઘટના સામે આવી છે, જેમાં જામનગર-રાજકોટ હાઈવે પર ફલ્લાની ગોલાઇ પાસેના માર્ગ પર પૂરપાટઝડપે બેફિકરાઇથી આવતા ટેમ્પો ચાલકે 2 પદયાત્રીઓને ઠોકરે ચડાવી હડફેટે લેતા મોત નિપજ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ભરવાડ પરિવાર પદયાત્રા કરી દ્વારકા ફૂલડોલ ઉત્સવ માટે જતા હતા તે દરમ્યાન ગુરૂવારે મધ્યરાત્રિના સમયે જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા ગામની ગોલાઇ પાસે પહોંચ્યા ત્યારે પૂરઝડપે બેફિકરાઇથી આવતા GJ3 BW2818 નંબરના છોટાહાથીના ચાલકે ખોળાભાઇ રાણાભાઇ ફાંગલિયા અને હીરાભાઇ મેરૂભાઇ લાબરિયા નામના બે પદયાત્રીઓને ઠોકરે ચડાવી હડફેટે લઇ પછાડી દેતા આ બન્ને પદયાત્રીઓને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે બન્નેના મોત નિપજ્યા હતાં. અકસ્માત બાદ ચાલક નાસી ગયો હતો. પીએસઆઇ બી. એસ. વાળા તથા સ્ટાફે સ્થળ પર દોડી જઇ બન્ને મૃતદેહોને પી.એમ. માટે મોકલી નાસી ગયેલા વાહનચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ચાલકની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.